નશામુક્ત ગુજરાત: કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | મુંબઈ સમાચાર

નશામુક્ત ગુજરાત: કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

હર્ષ સંઘવીએ કહ્યું કે નશામુક્ત ગુજરાતનો સંદેશ વિશ્વમાં પહોંચાડ્યો

ભચાઉઃ ડ્રગ્સ સામે રાજ્ય સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. કચ્છમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે આ ડ્રગ્સનોન નાશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 875 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો છે.

875 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ કરાયો

વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા ગાંધીધામ, ભુજ અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ 28 કેસમાંથી કુલ 391.625 કિલો અને 8,986 લિટર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું તેનો નાશ કરી દેવામાં આવ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા 82.616 કિલો કોકેન, માંડવી પોલીસ દ્વારા આશરે 44.57 કરોડ રૂપિયાનું 105.427 કિલો ચરસ અને મોરબી પોલીસ દ્વારા 1.84 કરોડ રૂપિયાનું 8,986 લિટર કોડીન યુક્ત સીરપ સહિત અન્ય માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યાં હતા તેનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો:  ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના, ટાટા સફારી કારચાલકે ચાર જણનો ભોગ લીધો

આ સાથે સાથે 25 અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાંથી ક્રમશઃ 129.368 કિલો અને 74.213 કિલો ગાંજો, કોકેન, ચરસ, મેફેડ્રોન, ખસખસ વગેરેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના કારણે ડ્રગ્સ માફિયામાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી તે સરાહનીય છે.

નશામુક્ત ગુજરાતના નિર્માણનો નક્કર પાયો તૈયાર થયોઃ હર્ષ સંઘવી

કચ્છમાં આ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો ત્યારે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બાબતે હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છની ધરતી પર એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત પોલીસે જપ્ત કરવામાં આવેલ અંદાજિત રૂપિયા 870 કરોડના નાર્કોટિક્સનો નાશ કરીને નશામુક્ત ગુજરાતનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો છે. આ કાર્યવાહીથી માત્ર ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં નથી આવ્યો, પરંતુ નશામુક્ત ગુજરાતના નિર્માણનો નક્કર પાયો તૈયાર થયો છે. આ નવા ગુજરાતની શરૂઆત છે, જ્યાં નશો નહીં હોય, યુવાનો ઉજ્જવળ ભવિષ્ય હશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button