અંજારમાં સ્ત્રીવેશમાં ઘરમાં ઘૂસીને ચોરે રોકડ સહિત સોનાના દાગીનાની કરી લૂંટ

અંજાર: પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા સેંકડો બનાવો લગભગ દરરોજ બની રહ્યા છે, ત્યારે અંજારના મેઘપર બોરીચીમાં સ્ત્રીના સ્વાંગમાં ઘરે એકલી રહેલી આધેડ વયની મહિલાના ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા શખ્સે હુમલો કરી, ગળામાં પહેરેલી 80 હજારની બે તોલા સોનાની ચેઈન અને 35 હજાર રોકડાં રૂપિયાની લૂંટ ચલાવતાં શહેરભરમાં ભારે ચકચાર પ્રસરી છે.
હુમલા સાથે લૂંટના બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, 51 વર્ષના મંજુલાબેન પટેલ તેમના મેઘપર બોરીચીના સંસ્કાર નગર ખાતેના ઘરે એકલાં હતાં. તેમના પતિ ચંદુ લાલજી પટેલ અને બે પુત્રો નજીકની ટિમ્બર ફેક્ટરીમાં નોકરી અર્થે ગયા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોમવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં ગૃહિણી કીડીયારૂ પૂરવા સોસાયટીમાં નીકળ્યાં હતાં. પાંચેક મિનિટ બાદ ઘરે પરત આવી રસોડામાં ગયા હતા. તે સમયે તેમને બેડરૂમમાંથી અવાજ સંભળાયો હતો.
આપણ વાંચો: મુરી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારુઓએ મુસાફરોને માર મારી લાખો રૂપિયાની લૂંટ ચલાવી
બેડરૂમમાં ગયા તો તીજોરી ખુલ્લી હતી અને બાથરૂમમાંથી અવાજ આવતો હતો. બાથરૂમમાં ચેક કરવા ગયા ત્યાં જ અંદર રહેલા અજાણ્યા શખ્સે તેમની આંખમાં મરચાંની ભૂકી છાંટી દીધી હતી.
હુમલો કરી પડાવ્યા ઘરેણાં
મંજુલાબેન આંખો ચોળતાં ચોળતાં ઘરના મેઈન હોલ બાજુ ભાગ્યા તો લૂટારુએ પીછો કરીને તેમને હોલમાં પકડીને ધક્કો મારી નીચે પાડી દઈ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
લૂંટારુએ જાનથી મારી નાખવાની ધમકી આપીને મંજુલાબેનના ગળામાં રહેલી બે તોલાની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ત્યારબાદ તેમને ઢસડીને બેડરૂમમાં લાવ્યો હતો અને છરી કાઢીને મંજુલાબેનના ડાબા હાથની આંગળીમાં મારી દીધી હતી. લૂંટારુ તીજોરીમાં રહેલા ૩૫ હજાર રોકડાં રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો. મંજુલાબેને રાડારાડ કરતાં આસપાસના લોકો એકઠાં થઈ ગયાં હતાં.
આપણ વાંચો: રાયગઢમાં આ બેંકમાંથી થઈ ફિલ્મી અંદાજમાં સાત કરોડ રૂપિયાની લૂંટ…
સ્ત્રીના વેશમાં હતો લૂંટારુ

મોડી રાત્રે ફરિયાદ નોંધાવવા પહોંચાયેલાં મંજુલાબેને પોલીસને જણાવ્યું હતું કે, અજાણ્યા લૂંટારુએ લાલ રંગનું લેડીઝ કૂરતા અને કાળા કલરનું જીન્સ પહેરેલું હતું. મોંઢા પર લાલ રંગની ઓઢણીની બુકાની બાંધેલી હતી.
રોકડાં રૂપિયા કાઢી લઈને તેની પાસે રહેલા લેડીઝ પર્સમાં નાખ્યાં હતાં. ઘટનાને ગંભીરતાથી લઈ પીઆઈ એ.આર. ગોહિલના નેતૃત્વમાં વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી છે. કેટલાંક સીસીટીવી ફૂટેજમાં આરોપી પગપાળા ચાલતો જતો હોવાનું જોવા મળ્યું છે.