કચ્છમાં ફેલાયેલા અજાણ્યા રોગથી હાહાકાર, એક જ સમુદાયના 12ના જીવ ગયા, તંત્ર જાગ્યું

ભુજઃ કચ્છમાં વરસેલા આફતરૂપી ભારે વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ચિંતાજનક રીતે માથું ઊંચકી રહી છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવામાં લખપત તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત છૂટીછવાઈ વાંઢમાં દાયકાઓથી સ્થાયી થયેલા જત માલધારી પરિવારોના સભ્યોના કોઈ ભેદી બીમારીમાં સપડાઈને ટપોટપ મોત થવા લાગતાં ભારે ચકચાર મચી ગઈ છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ ગત પાંચ દિવસમાં જ ૧૨ લોકોના મૃત્યુ થયાં છે, જે પૈકી ચાર મૃત્યુ આજે નોંધાયાં છે. વધુ પાંચ લોકોને આજે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હોવાનું અને મૃતકોમાં પાંચ બાળકો અને ૬ યુવાન મૃતકોમાં ૯ પુરુષ અને ૪ સ્ત્રી દર્દી છે, જૈ પૈકી પાંચથી ૧૩ વર્ષની વયના ત્રણ છોકરાં અને બે છોકરી મળી પાંચ બાળકો, ૧૮થી ૪૪ વર્ષના ૬ યુવાન દર્દીઓ અને એક ૫૦ વર્ષના દર્દીનો સમાવેશ થાય છે. ૧૨ મૃતકો પૈકી ૮ દર્દીના ભુજની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં, એકનું દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તથા અન્ય ત્રણ લોકોના ઘરે મૃત્યુ નીપજ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ અત્યંત ચિંતાજનક બાબત અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રવીન્દ્ર ફૂલમાલીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામી રહેલાં એકજ મુસ્લિમ જત સમાજના સભ્યો છે. મોટાભાગનાં મૃતકોમાં ન્યૂમોનિયા જેવી શ્વસન તંત્રને લગતી સમસ્યા જોવા મળી હતી. આ લોકોના મૃત્યુ ન્યૂમોનાઈટીસથી થયાં છે, સ્વાઈન ફ્લુ જેવા વાયરલ સંક્રમણથી કે અન્ય કોઈ કારણે તે હજુ સ્પષ્ટ થયું નથી.
પરિસ્થિતિની ગંભીરતા પારખીને રાજ્યના નાયબ નિયામક (એપિડેમિક) ડૉ. જે.એમ. કતીરાએ જિલ્લા આરોગ્ય તંત્રને ગત શુક્રવારે કેસના ઈન્વેસ્ટીગેશન અને એનાલિસીસ માટે મેડિકલ કૉલેજ કક્ષાના મેડીસીન, પીએસએમ પેથોલોજી, માઈક્રોબાયોલોજીના તજજ્ઞોની ટીમ મોકલી આપવા હુકમ કર્યો છે અને રવિવારના રોજ ગાંધીનગર અને રાજકોટથી પણ ખાસ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવી રહી હોવાનું કુલમાલીએ ઉમેર્યું હતું.
દરમ્યાન, છેલ્લાં બે દિવસથી તાલુકા સબ સેન્ટરની મેડિકલ ટુકડીઓ તથા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમાર દ્વારા આ ભેદી રોગચાળો કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે અંગે જત પરિવારોના લોકોની લાળ સહિતના સ્વૉબ તથા બ્લડ સેમ્પલ મેળવાયાં છે. ત્રીજી ઑગસ્ટના રોજ બેખડોના બે સગાં ભાઈ સહિત ત્રણ યુવકોના મૃત્યુ બાદ આ સિલસિલો શરૂ થયો છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય મીનાબા દેશુભા જાડેજાએ મૃતકોની યાદી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તત્કાળ મુલાકાત લેવા રજૂઆત કરી છે.