આપણું ગુજરાત

કચ્છ: અંજારમાં ઝુંપડામાં નિંદ્રાધીન 15 મજુર પરિવારોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ, જાણો વિગત

કચ્છના અંજારમાં ઝુંપડામાં સુઈ રહેલા મજુરોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કમકમાટીભરી ઘટનાથી શહેરમાં હડકંપ મચી ગયો છે. અંજારમાં મજૂરી કામ કરતા 15 જેટલા પરિવારો તેમના ઝુંપડામાં ગાંઢ નિંદ્રામાં હતા ત્યારે માથાભારે શખ્સે ઝુંપડાને આંગ ચાંપી દીધી હતી. બનાવની જાણ એક મજૂર અને આસપાસના લોકોને થતાં તમામ લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો કે મજૂર પરિવારોના ઝુંપડા સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લગાવનારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અંજારના ખત્રી બજાર પાસે મજૂરોની ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. તેમાં 15 પરિવારોના ઝૂંપડાને આગ વહેલી સવારે એક માથાભારે વ્યક્તિએ આગ ચાંપી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઝૂંપડામાં રહેતા પરિવારોએ સાવચેતી દાખવી પોતાના પરિવાર અને બાળકો સાથે ભાગી છૂટ્યા હતા, પરંતુ મજૂર પરિવારોની મહેનત કરીને કમાયેલી મૂડી અને તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અંજારના ખત્રી ચોકમાં ઝૂંપડામાં રહેતા બદ્રીનાથ ગંગારામ યાદવની ફરિયાદ મુજબ અંજારમાં રહેતો આરોપી મહંમદ રફીક કુંભાર તેની આસપાસ રહેતા આ મજુરોને મજૂરી માટે લઈ જતો હતો જો કે તેણે તેમને વેતન ચૂકવ્યું ન હતું, તો કામદારોએ તેની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે શનિવારે રાત્રે રફીક ઉશ્કેરાઈ ગયો હતો અને તારી ઝૂંપડી સળગાવી દેવાની અને તને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ રવિવારે સવારે આવી ઝૂંપડામાં રહેતા પરિવારના બાળકો સૂતા હતા ત્યારે ગુનેગાર મોહમ્મદ રફીકે પેટ્રોલિયમ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટીને ઝૂંપડાઓને આગ ચાંપી દીધી હતી. આગ લાગતાની સાથે જ અંદર હાજર પરિવાર જીવ બચાવવા બહાર દોડી ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને આગ અંગે ફાયરની ટીમને જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં બધું બળીને રાખ થઈ ગયું હતું.

પોતાના ઝુંપડામાં આગ લગાડવાના કારણે રોષે થયેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આવો જઘન્ય ગુનો કરનાર સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. આગ લગાડનાર વ્યક્તિ મોહમ્મદ રફીક સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button