આપણું ગુજરાતનેશનલ

મકરસંક્રાંતિના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામ જાણો…

ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબજ રંગેચંગે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મકરસંક્રાંતિને એકજ દિવસે ઉજવવામાં આવે છે પરંતુ તેના નામ અલગ અલગ છે અને તેને ઉજવવાની રીત પણ અલગ અલગ છે. કયા રાજ્યોમાં કયા નામથી ઓળખવામાં આવે છે તે વિશે જાણાવું. આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે.

જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને ‘સંક્રાંતિ’ કહેવામાં આવે છે. તેમજ તે દિવસે સૂર્ય ઉત્તર તરફ જવા લાગે છે. જેને સૂર્ય ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 2 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં અહીં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ખાસ અવસર પર ઉંધીયુ અને ગોળની ચિક્કી ખાવાનું મહત્વ વધારે છે.

ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિ ને ખીચડી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવીને ઘી સાથે ખાવામાં આવે છે. તેમજ આ દિવસે તલ, ગોળ અને સીંગની બનેલી ચીકી પણ ખાઈએ છીએ.
પંજાબ અને હરિયાણામાં મકર સંક્રાંતિને માઘી લોહડીના નામથી ઉજવવામાં આવે છે. જો કે લોહડીનો તહેવાર મકરસંક્રાંતિની આગલી રાતે ઉજવવામાં આવે છે. જેમાં અગ્નિ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે અને તે દિવસે પંજાબમાં પછી રેવડી, સીંગ ચીકી અને ધાણી ખાવાનું આગવું મહત્વ છે.

મકરસંક્રાંતિને દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસ ભોગી પોંગલ, બીજો દિવસ સૂર્ય પોંગલ, ત્રીજો દિવસ મટ્ટુ પોંગલ અને ચોથો દિવસ કન્યા પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરોમાં રંગોળી બનાવવામાં આવે છે. અને ચોખાની મીઠી ખીર ખાવાનો રિવાજ છે.

મકરસંક્રાંતિ કેરળમાં મકર વિલક્કુ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખાસ કરીને સબરીમાલા મંદિરે દર્શન કરવા જાય છે. અને તે દિવસે લોકો સૂર્યદેવની પૂજા કરે છે.

કર્ણાટકમાં મકરસંક્રાંતિને ‘ઈલુ બિરોધુ’ના નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. મહિલાઓ આજના દિવસે ઈલુ બેલા એટલે કે તાજા ફળો, શેરડી, તલ, ગોળ અને નાળિયેર જેવી વસ્તુઓ નજીકના પરિવારો સાથે અંદરો અંદર આપલે કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button