કોપીરાઇટ કેસમાં કિંજલ દવેને મળી રાહત, કોર્ટે કેસ રદબાતલ કર્યો
Kinjal Dave Copyright Case: ચાર ચાર બંગડીવાળી ગીતથી લોકપ્રિય થયેલી ગાયિકા કિંજલ દવેને કોર્ટે મોટી રાહત આપી છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ નામની કંપનીએ કિંજલ દવેના ગીત ‘ચાર ચાર બંગડીવાળી ગાડી..’ પર કોપીરાઇટનો કેસ કર્યો હતો, જેમાં તેમણે કિંજલ દવે પર આરોપ લગાવ્યો હતો કે કોપીરાઇટના હકો રેડ રિબન પાસે છે, આથી કિંજલ આ ગીતને તેના બેનર તળે ગાઇ શકે નહી.
રેડ રિબને કોર્ટમાં જણાવ્યું હતું કે ગીતના કોપીરાઇટના હકો કંપની પાસે સુરક્ષિત હોવાને કારણે કિંજલ દવે કે અન્ય કોઇપણ ગાયક આ ગીત ગાઇ શકે નહિ, ન તો તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત મુકી શકે. રેડ રિબન કંપનીએ આ ગીતના કોપીરાઇટ કાર્તિક પટેલ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલા હોવાનું જણાવ્યું હતું. જો કે હાલની સુનાવણીમાં રેડ રિબન પોતે જ પોતાના કોપીરાઇટના દાવાને સાબિત કરવામાં નિષ્ફળ ગઇ હતી, જેને પગલે કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા આ કોપીરાઈટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી દીધો.
તેમ છતાં, કિંજલ દવે હજુ 15 દિવસ સુધી આ ગીત ગાઇ શકે નહિ, કારણકે રેડ રિબનને ઉપરી અદાલતમાં અપીલ કરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ કિંજલ દવેને કોર્ટે હુકમના અનાદર માટે દંડ પણ ફટકાર્યો હતો જો કે આજે દાવો નિષ્ફળ જતા તેને રાહત આપવામાં આવી છે.