ખેડા સીરપકાંડ: વધુ એકનું મોત, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર ફેલાવનાર નડિયાદ સીરપકાંડમાં કેસમાં વધુ એક મોત થયું છે. આ સાથે જ આ કાંડમાં મોતનો આંકડો 6 પર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ 72 વર્ષીય મૃતક આ કેસમાં સંડોવાયેલા એક આરોપીનો પિતા છે. હજુ પણ આ કેસમાં ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 72 વર્ષીય સાકર સોઢાનું મોત થયું હતું, જે છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર હતા. જે કરિયાણાની દુકાનમાંથી સિરપ મળી આવી હતી તેનો માલિક નારણ સોઢા હાલ આરોપી છે. નડિયાદમાં સિરપ કાંડમાં વધુ એક વ્યકિતની તબિયત લથડી હોવાના પણ અહેવાલ છે. સિરપ કાંડનો ભોગ બનનાર ત્રણ દર્દીઓ અમદાવાદ સિવિલ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. અગાઉ પાંચ મૃતક પૈકી ચારનું પોસ્ટ મોર્ટમ થયા વગર જ અંતિમસંસ્કાર થઈ ગયા હતા
ખેડા પોલીસે માહિતી આપી હતી કે મુખ્ય આરોપી યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખેડામાં કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ FSLમા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે શખ્સોઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ સપ્લાયર સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.