ગુજરાતમાં KGF જેવી ઘટના, ખાણિયા મજૂરોને ગોંધી રાખીને જબરજસ્તી કામ કરાવાતું હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફિલ્મ KGFની યાદ અપાવે તેવી એક ઘટનામાં ખનીજ માફિયાઓ ખાણમાં કામ કરતા મજૂરોને ખાણમાં ગોંધી રાખીને જબરજસ્તી મજૂરી કરાવતા તેમજ ત્રાસ ગુજારતા હોવાની કેટલાક મજૂરોએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.
થાનગઢ વિસ્તારમાં મોટાપાયે કોલસા સહિતની ખાણો આવેલી છે. જ્યાં મોટેભાગે ખનીજ માફિયાઓનું વર્ચસ્વ જોવા મળે છે. મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓમાં રહેતા લોકો અહીં ખોદકામની મજૂરી કરતા હોય છે. કેટલીક ખાણોમાં ખનીજ માફિયાઓ આ શ્રમિકોને બંધક બનાવી રાખતા હોવાના આક્ષેપોને પગલે પોલીસ પહેલા પણ ખાણમાં રેડ કરી બંધક મજૂરોને છોડાવવાની કાર્યવાહી કરી ચુકી છે. હવે ખાણીયા વિસ્તારોમાં પોલીસે ટીમ મોકલી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની તજવીજ શરુ કરવામાં આવી છે.
શ્રમિકોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ખનીજ માફિયાઓ દિવસ રાત મજૂરીકામ કરાવતા હતા, મજૂરોને સાંકળથી બાંધી દેવાતા હતા. જો કે બંધક મજૂરોમાંથી એક મજૂર ભાગવામાં સફળ થતા તેની પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસ ખાણમાં તપાસ કરવા ઉતરી છે.