કિંજલ દવેના સમર્થનમાં આવ્યો ઘાટકોપર બ્રહ્મ સમાજ: પ્રમુખ જ્યોતીન્દ્ર દવેએ કહ્યું, “વિરોધ કરનારા દંભી છે”

મુંબઈ: ચાર ચાર બંગડી જેવા લોકપ્રિય ગીતની સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી હતી. જોકે, આ સગાઈના 9 દિવસ બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કિંજલ દવેના પરિવારને જ્ઞાતબહાર મૂકવાનો નિર્ણય કર્યો હતો. પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજના નિર્ણય બાદ વિવાદ છેડાયો છે. કિંજલ દવેના વિરોધ અને સમર્થનમાં ઘણા લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે ત્યારે મુંબઈમાં ઘાટકોપર બ્રહ્મ સમાજે કિંજલ દવેના સમર્થનમાં મહત્ત્વની વાત કરી હતી.
રૂઢિચુસ્ત બંધારણ બનાવવાની છૂટ નથી
પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે જ્ઞાતિના બંધારણનો રદિયો આપીને કિંજલ દવેને જ્ઞાતબહાર કરી છે, પરંતુ ઘાટકોપર બ્રહ્મ સમાજના પ્રમુખ જ્યોતિન્દ્ર દવેએ સમાજના આ નિર્ણયને સંપૂર્ણપણે વખોડી કાઢ્યો છે. જ્યોતીન્દ્ર દવેએ ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આ ઘૃણાસ્પદ બાબત છે. કોઈ સમાજને આવા રૂઢિચુસ્ત બંધારણ બનાવવાની છૂટ નથી.”
મારી દીકરીના લગ્ન જૈન સમાજમાં થયા છે
જ્યોતીન્દ્ર દવેએ આગળ જણાવ્યું કે, “ગમતા પાત્ર સાથે લગ્ન કરવામાં ખોટું શું છે? સારું પાત્ર હોય તો તેની સાથે લગ્ન કરવામાં કોઈ પ્રકારનો બાધ ન હોવો જોઈએ. મેં મારી દીકરીને જૈન સમાજના દીકરા સાથે પરણાવી છે. કારણ કે દીકરો ભણેલો-ગણેલો છે અને દીકરી સાથે તેના વિચારો મેચ થાય છે.”
પોતાના આંતરજ્ઞાતિય લગ્નની ચર્ચા વચ્ચે કિંજલ દવેએ સાટા પદ્ધતિનો પણ ઉલ્લેખ કર્યો છે. કિંજલ દવેએ પોતાને સાટા પદ્ધતિનો શિકાર ગણાવી છે. જેને લઈને જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે, “આ આધુનિક યુગમાં સાટા પદ્ધતિ ચાલે જ નહીં. કિંજલે જે પગલું ભર્યું છે, એ બરાબર છે. આજના મોર્ડન યુગમાં સાટા પદ્ધતિ કે બીજી જ્ઞાતમાં દીકરીને નહીં પરણાવવી એવું ન હોવું જોઈએ. જૈન સમાજ, ગુજરાતી સમાજ કે અન્ય ઉચ્ચ વર્ણના સમાજમાં દીકરી જતી હોય તો કોઈ વાંધો ન હોવો જોઈએ.”
વિરોધ કરનારા ‘દંભી અને પાખંડી’ છે
કિંજલ દવેના આંતરજ્ઞાતિય સગપણને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે લીધેલા નિર્ણયનું કેટલાક લોકો સમર્થન કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો કિંજલ દવેનું સમર્થન કરી રહ્યા છે, તેથી સમાજમાં કિંજલ દવેના સમર્થક અને વિરોધીઓ વચ્ચે પણ તકરાર થઈ રહી છે. જેને લઈને જ્યોતીન્દ્ર દવેએ જણાવ્યું હતું કે જે લોકો કિંજલ દવેનો વિરોધ કરી રહ્યા છે, તેવા માણસો દંભી છે. આધુનિક જમાનામાં અદ્યતન વિચારધારા ધરાવતા સમાજે આ બાબત વિચારવી જોઈએ.”
તેમણે જણાવ્યું કે “ઘાટકોપર બ્રહ્મ સમાજમાં ઘણા લોકોના ઇન્ટરકાસ્ટ મેરેજ (અન્ય જ્ઞાતિમાં લગ્ન) થયેલા છે, જ્યારે અમે સમુહ લગ્નનું આયોજન કરીએ છીએ ત્યારે અમે એક ધોરણ રાખીએ છીએ કે, બ્રાહ્મણ સમાજના દીકરા બ્રાહ્મણ કે અન્ય સમાજની દીકરીને પરણે તો વાંધો નહીં.”
રૂઢિચુસ્તતાને તિલાંજલિ આપીને આગળ વધો
ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિ અને 21મી સદીના મોડર્ન યુગમાં દીકરીઓની પ્રગતિની વાતો કરતા હોઈએ, ત્યારે કિંજલ દવેના આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે લીધેલો નિર્ણય દીકરીઓને સમર્થન આપવાના બદલે તેમની પ્રગતિને રોકે છે. જેથી ઘાટકોપર બ્રહ્મ સમાજના પ્રમુખ જ્યોતીન્દ્ર દવેએ સમાજના વડીલોને અપીલ કરી કે તેમણે આ રૂઢિચુસ્તતાને તિલાંજલિ આપીને આગળ વધવું જોઈએ.



