જન્માષ્ટમીમાં મેઘરાજા વિલન બનશેઃ મેળામાં ભંગ પડી શકે, IMDની લેટેસ્ટ આગાહી જાણો…
આજે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

ગાંધીનગર: ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે આગામી દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે પણ વરસાદ તહેવારોની મજા બગાડી શકે છે.
ગયા વર્ષે જન્માષ્ટમી વખતે ભારે વરસાદે તહેવારોને અસર કરી હતી અને આ વર્ષે પણ 14 ઓગસ્ટ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી વાતાવરણ જન્માષ્ટમીના મેળાઓ અને તહેવારોને પ્રભાવિત કરી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઇ શકે છે. આ આગાહી વચ્ચે ગુજરાતમાં આજે સવારથી વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધી વલસાડમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત માછીમારોને 12થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું, જ્યારે ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં યલો એલર્ટ છે. આ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે, જે રોજિંદા જીવનને અસર કરી શકે છે.
આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આવું જ વાતાવરણ રહેશે.
આગામી સપ્તાહમાં 14 ઓગસ્ટ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ આગાહીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં હવે વરસાદનો લાંબો વિરામ સમાપ્ત થયો છે, અને આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે, જે જળસંચય માટે સારો સાબિત થશે, પણ તહેવારોના ઉત્સાહને થોડો પ્રભાવિત કરી શકે છે.