ઇરફાન પઠાણે આઠમી ઍનિવર્સરીએ પહેલી વાર પત્નીનો ચહેરો બતાડ્યો
જોકે ઇસ્લામિસ્ટોએ ઇરફાનની ટીકામાં કહ્યું, ‘મુસ્લિમ ખાતૂન કો હિજાબ મેં રહના ચાહિયે’
વડોદરા: ભારતના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને નિવૃત્ત થયા પછી કૉમેન્ટેટર બની ગયેલા ઇરફાન પઠાણે અત્યાર સુધી ક્યારેય પત્ની સફા બેગનો ચહેરો જાહેર જનતાને બતાવ્યો નહોતો, પરંતુ શનિવારે આઠમી મૅરેજ ઍનિવર્સરી વખતે તેણે પહેલી જ વખત સફાનો ચહેરો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. જોકે અગાઉ તેણે ક્યારેય તેનો ચહેરો જાહેરમાં ન બતાવ્યો એ બદલ તેના ચાહકોએ તેની ટીકા કરી હતી.
ઇરફાને સફા સાથેનો ફોટો શૅર કરવાની સાથે લખ્યું, ‘એક એવી વ્યક્તિ જેની ભૂમિકા અમર્યાદિત રહી છે. મૂડ સારો કરી આપવાની ક્ષમતા તેનામાં છે જ, તે કૉમેડી પણ કરી જાણે છે, પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે, ખૂબ જ સારી સાથી અને મિત્ર પણ છે અને તે છે મારા સંતાનોની આ મમ્મી. તેણે લગ્નજીવનની સફરમાં મને ખૂબ સુંદર સાથ આપ્યો છે. તું મારી પત્ની છે એ બદલ હું ખૂબ આનંદ અને ગર્વ અનુભવું છું. હૅપી એઇટ્થ (આઠમી ઍનિવર્સરી), માય લવ.’
જોકે ઇરફાને પત્ની સફાનો ફોટો પહેલી વાર શૅર કર્યો એ વિશે મીડિયામાં કેટલાક ઇસ્લામિસ્ટોએ નારાજગી વ્યક્ત કરી હતી. સફાનો બુરખા વિનાનો ફોટો શૅર કરવા બદલ ઇરફાન પર ટીકાત્મક શબ્દોની વર્ષા વરસાવી હતી. ટ્વિટરના યુઝર્સમાંના એક યુઝરે લખ્યું, ‘મુસ્લિમ ખાતૂન્સ કો હિજાબ મેં રહના ચાહિયે.’
બીજા એક જણે લખ્યું, ‘ઇરફાન, તું મુસ્લિમ હોવાથી તારે તેનો ચહેરો જાહેરમાં શૅર ન કરાય.’ ત્રીજા યુઝરે ઇરફાનના મોટા ભાઈ યુસુફનો તેની પત્ની બુરખા સાથેનો ફૉટો શૅર કરતા લખ્યું, ‘આ જ કારણથી તારો ભાઈ તારા કરતાં સારો છે.’ વધુ એક જણે લખ્યું, ‘આટલા વર્ષ (8) તેં પત્ની સફાનો ચહેરો જાહેર કર્યો તો હવે શું કરવાની જરૂર હતી?’
ઇરફાનની પત્ની સફા ભૂતપૂર્વ મૉડેલ છે. તેનો ઉછેર સાઉદી અરેબિયામાં થયો હતો.