ચૂંટણી પછી ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર, કાછડિયા બાદ હવે લાડાણી મેદાનમાં…
અમરેલી: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોવાતી હોય તેમ આંતરિક અસંતોષ સપાટી પર આવવા લાગ્યો છે. અમરેલીના( હવે) પૂર્વ સાંસદ નારણ કાછડિયાના નિવેદનના કલાકોમાં જ માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી એ પોતાની જ પાર્ટીના પૂર્વ મંત્રી પર સણસણતા આરોપ મઢી દીધા છે.
અરવિંદ લાડાણીએ સીઆર પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓની ફરિયાદ કરી છે. ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી કોંગ્રેસ બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ ભાજ્પ શરણ થયા. આ પહેલા જવાહર ચાવડા માણાવદર બેઠક પરથી વરસો સુધી પોતાનો દબદબો જાળવી ચૂક્યા હતા. માણાવદરમાં કોંગ્રેસ એટલે જવાહર ચાવડા જ કહેવાતું. ચાવડાનો કોઈ વિકલ્પ પણ કોંગ્રેસ પાસે નહતો તેટલું પ્રભુત્વ હતું.
પરંતુ ચાવડા ‘એકની એક હોટલનું ભોજન જમવાથી ત્રાસી ઉઠ્યા હતા. એટલે જેમ માણસ હવાફેર કરવા જાય તેમ જવાહર ચાવડા ભાજપમાં ગયા અને ભાજપમાં મંત્રીપદ પણ મળ્યું. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમા કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડાનો પરાજય થયો. જવાહર ચાવડા ઘરે બેસી ગયા.
ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમા સૌથી ઓછું મતદાન માણાવદર બેઠક પર થયું છે. તો લોકસભા બેઠકમાં સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર થયું છે. યોગાનુયોગ છે કે,થોડા જ કલાકોમાં આ બાને બેઠક પરથી ભાજપના જ નેતાઓએ અવાજ ઊંચો કરી મોવડી મંડળને ફરિયાદ કરી છે. લાડાણીની ફરિયાદ જવાહર ચાવડા સામે હોય તે સ્વાભાવિક છે. જે જવાહરને તેમણે ગત વિધાનસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર તરીકે હરાવ્યા.
તેઓએ જ ભાજપમાં રહીને પોતાને હરાવવા કોંગ્રેસનાં ઉમેદવારને મદદ કર્યાનો આરોપ મઢતો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષા સી આર પાટિલેને લખ્યો છે. પત્રમાં જણાવાય મુજબ 4 મેના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
માણાવદર તાલુકા પંચાયતન ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી મહામંત્રી જગદીશ મારૂ, જુનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતિ અધ્યક્ષ રીનાબેન મારડીયાના સસરા, માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમસિંહ ચાવડાએ પણ ખુલ્લે આમ ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ પત્રમાં કર્યો છે.