સરદાર સરોવર ડેમમાં પાણીની મબલક આવક, 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા
મધ્યપ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે. આજે સવારે 8 વાગ્યે સરદાર સરોવર ડેમની સપાટી 135.65 મીટરથી વધુ નોંધાઈ હતી, માટે સાવચેતીના ભાગરૂપે અત્યારે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાણીની સતત આવક થતા બપોરે 12 કલાકે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા, તેમજ રિવરબેડ પાવરહાઉસ શરુ કરીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ચાલુ સીઝનમાં આ પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારનાં ગામવાસીઓને માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાંથી પાણીની આવક પર સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે એ રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલા ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ પાવર હાઉસના આઠ યુનિટોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી છે.
હવામાન વિભાગે 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે પશ્ચિમ મધ્યપ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.