
ભુજ: ભુજ-રાજકોટ ટ્રેનને વાજતે-ગાજતે શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ અચાનક બંધ કરાયેલી ભુજ-રાજકોટ ટ્રેનને મુસાફરોની માંગણીને માન આપીને રેલવે વિભાગ દ્વારા આગામી સપ્ટેમ્બર માસ સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાતે દોડશે જેમાં સ્લીપર કોચ સહિતની વ્યવસ્થા હશે. મુસાફરોની લાંબા સમયની રજૂઆતો બાદ બે દાયકા પછી ગત 21મી માર્ચથી 30મી જૂન સુધી આ ભુજ-રાજકોટ વચ્ચે પ્રાયોગિક ધોરણે આ પેસેન્જર ટ્રેનને શરૂ કરાઈ હતી. સારો પ્રતિસાદ મળવા છતાં આ સેવા સમાપ્ત કરી દેવામાં આવતાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.
અઠવાડિયામાં 3 દિવસ ભુજથી અને 36 દિવસ રાજકોટથી ઉપડશે
રેલવેના પ્રવક્તા પાસેથી જાણવા મળતી સત્તાવાર માહિતી પ્રમાણે ભુજથી રાજકોટ વચ્ચે ત્રણ મહિના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં છે. અગાઉ આ ટ્રેનનો સવારનો સમય બદલાવીને રાતનો કરી દેવામાં આવ્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ ભુજથી અને ત્રણ દિવસ રાજકોટથી ઉપડશે. ભુજથી બુધવાર, શુક્રવાર અને રવિવારના રાત્રે 11:00 કલાકે ઉપડી સવારે 02:50 કલાકે રાજકોટ પહોંચાડશે. જ્યારે રાજકોટથી મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાત્રે 10:30 કલાકે ઉપડી પરત વહેલી સવારના ૫ કલાકે ભુજ આવશે.
આ ટ્રેનમાં કેવી સુવિધાઓ હશે?
રાજકોટથી ભુજ માટે 29મી જુલાઈથી જ્યારે ભુજથી આગામી 30મી જુલાઈથી આ સ્પેશિયલ ટ્રેન ઉપલબ્ધ થશે. કુલ 4 જનરલ કોચ, તેમજ 7 સ્લીપર કોચ, 3 થર્ડ એ.સી, એક સેકન્ડ એ.સી અને બે વિકલાંગ અને લેડીઝ કોચ સહિત કુલ 17 કોચ હશે. હાલ પ્રાયોગિક ધોરણે સપ્ટેમ્બરના અંત સુધી આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને મુદત વધારવી કે નહી? એ બાબતનો નિર્ણય મુસાફરોના ધસારાને જોઈને લેવાશે તેવું રેલવાના પ્રવક્તાએ કહ્યું હતું.