Ravindra Jadeja: ‘મારી પત્નીની છબી ખરાબ કરવાનું બંધ કરો’, રવિન્દ્ર જાડેજાએ પિતાના ઈન્ટરવ્યું બાદ પ્રતિક્રિયા આપી
રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે એક અખબારને આપેલો ઈન્ટરવ્યું જાહેર થયા બાદ વિવાદ ઉભો થયો છે. અહેવાલો મુજબ, અનિરુદ્ધ સિંહે પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. અનિરુદ્ધ સિંહે રવીન્દ્રની પત્ની રીવા બા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરવ્યું અંગે ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો પાયાવિહોણી છે. રવીન્દ્ર જાડેજાએ લખ્યું કે મારા પાસે કહેવા માટે ઘણું બધું છે, પરંતુ હું બધું જાહેરમાં નહીં કહું.
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે આક્ષેપ કર્યો હતો કે લગ્ન બાદ તેમના દીકરામાં ઘણો બદલાવ આવ્યો છે અને તેઓ એકબીજાના સંપર્કમાં નથી. એક જ શહેરમાં રહીએ છીએ છતાં મળતા નથી. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યુંમાં આ ઘટસ્ફોટ કર્યો હતો.
બીજીતરફ રવીન્દ્ર જાડેજાએ આ ઈન્ટરવ્યુંને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોસ્ટ કરીને કહ્યું કે હાલમાં દિવ્ય ભાસ્કરમાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યુમાં જણાવવામાં આવેલી તમામ બાબતો અર્થહીન અને અસત્ય છે. તે એક પક્ષે કહેવાયેલી વાતો છે, જેને હું નકારું છું. મારા પત્નીની છબી ખરડાવવાના કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખરેખર અશોભનીય અને નિંદનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે, જે હું જાહેરમાં ના કહું ત્યાં સુધી જ સારું રહેશે.
નોંધનીય છે કે રીવાબા ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેઓ જામનગરના ભાજપના વિધાનસભ્ય છે. રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાને હરાવીને તેઓ વિધાનસભ્ય બન્યા હતા.
રવિન્દ્ર જાડેજા હાલ પોતાના ઘરથી દૂર છે. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત તરફથી રમ્યો હતો. પરંતુ ઈજાના કારણે બીજી મેચમાંથી બહાર રહ્યો હતો. જો કે હવે જાડેજા રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે.