કોંગ્રેસને રામરામ કરો તો અમારી પાર્ટીની શોભા વધારજોઃ મોઢવાડિયાને ‘આપ’નું આમંત્રણ
લોકસભા ચૂંટણીને પગલે ભાજપ હાલ સુપર એક્ટિવ મોડમાં છે. આજે રાજ્યમાં પંચાયત સ્તરે કામ કરતા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ સહિત પંચાયત પ્રમુખોએ રાજીનામું ધરી દીધું હતું અને કમલમ જઇને પોતાની નવી રાજકીય સફરની શરૂઆત કરી હતી. એ પછી વિગતો બહાર આવી કે ધીમે ધીમે અમુક ધારાસભ્યો પણ આ ઘરેડમાં જોડાશે અને અર્જુન મોઢવાડિયાના રાજીનામાની અચાનક ચર્ચા ચાલુ થઇ. તેમણે તો આ વાતને નકારી દીધી છે પરંતુ આ ઘટનાના પડઘા આમ આદમી પાર્ટીની છાવણીમાં પણ પડ્યા છે.
કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને તેમની ભાજપમાં જોડાવાની અટકળો ફગાવી દીધી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ તેમની પોસ્ટ શેર કરી, અને કહ્યું, “આદરણીય અર્જુનભાઇ..તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું. અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે. જય સીયારામ.”
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાનું આ રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીએ એક પ્રકારે અર્જુન મોઢવાડિયાને આમંત્રણ આપીને જાણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલના સમયમાં તો મોઢવાડિયાએ ‘હું ક્યાંય જવાનો નથી’ તેવું કહીને ચર્ચાનો અંત લાવી દીધો છે પરંતુ આ રાજકારણ છે, અને રાજકારણમાં ક્યારેય કંઇ પણ નિશ્ચિંત હોતું જ નથી એ કહેવાની જરૂર ખરી?