ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું મુખ્ય પ્રધાને કર્યું લોકાર્પણ; કરોડના વિકાસકામોની ભેટ
ધંધુકા: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમ તેમજ આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું.
ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું લોકાર્પણ
આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે નિર્મિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…
મુખ્ય પ્રધાને શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યું હતું.
જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલયનું લોકાર્પણ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’નું લોકાર્પણ કર્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન જોવા મળશે. કાર્યક્રમને સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્ય પ્રધાને સંસ્કૃતિના જતન માટેના 60 વર્ષના પુરુષાર્થ તથા ‘વિરાસત’ સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે મુખ્ય પ્રધાનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકકલાના સન્માનમાં મુખ્ય પ્રધાનનું આગમન અને આજનો અવસર આકરું ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે અંકિત થઈ ગયું છે. સન્માન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કિરીટસિંહ ડાભી તેમજ સામાજિક- રાજકીય આગેવાનો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.