હર્ષ સંઘવીના હસ્તે સુરતના લાજપોર ખાતે કેદીઓ માટે સ્માર્ટ શાળાની શરૂઆત

સુરત: સુરતના લાજપોર ખાતે ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા શરૂ કરવામાં આવી છે. આજે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાં 130 જેટલા કેદીઓ જેલમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ-10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરશે.
હાલ જેલમાં ગુનાઓમાં સંડોવાયેલા અને જેલવાસ ભોગવી રહેલા કેદીઓ સજા પૂર્ણ કરીને બહાર આવે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં પુનઃ એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવે તે માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રયાસ હેઠળ લાજપોર જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી છે. અગાઉ પણ જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ કોઈપણ પરીક્ષા માટે બેરેકમાં ભણતા હતા પણ તેમના માટે એક સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ન રસ્તા, ન શાળા, ન શિક્ષક, ન ડોક્ટરઃ ગુજરાતના ગામડાંઓની વાસ્તિક્તા જોઈ અધિકારીઓ મુંઝાયા,
જો કે કેદીઓ માટે સ્માર્ટ ક્લાસ ધરાવતી ગુજરાતની આ પ્રથમ શાળા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલી આ શાળામાં સ્માર્ટ બોર્ડ, લાઇબ્રેરી, જેવી સુવિધાઓ છે. આ શાળા 16 લાખના ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે. હાલ ગુનાની સજામાં જેલવાસ ભોગવી રહેલા કેદીઓ મહાત્મા ગાંધી સ્માર્ટ શાળામાં ભણીને જ્યારે બહાર નીકળશે ત્યારે એક આદર્શ જીવન જીવી શકે તે પ્રયાસ છે. ધોરણ-10 અને 12 સિવાય કોઈ ડિગ્રી કોર્સ કરવા માંગતા કેદીઓ ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે કરી શકે છે.
સુરતના લાજપોર જેલમાં સ્માર્ટ સ્કૂલની જેમ જ આવી પહેલ અન્ય જેલોમાં પણ કરવામાં આવનાર છે. આવનારા સમયમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં 45 એકર જમીનમાં અત્યાધુનિક તાલીમ કેન્દ્ર બનાવવામાં આવનાર છે. જેમાં 34 સુવિધાઓ ધરાવતી આ તાલીમ એકેડમીમાં તમામ રમતગમતની પ્રવૃત્તિઓ ઓલિમ્પિક કક્ષાની હશે. આ સાથે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક સ્ટાન્ડર્ડનું બનાવવામાં આવશે.