રાજયના કલાકારોમાં રહેલી કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. જે અંતર્ગત પ્રતિવર્ષ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, રાજકોટ દ્વારા હેમુગઢવી નાટ્યગૃહ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો શુભારંભ મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ દિપ પ્રાગટ્ય વડે કર્યો હતો.
મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતમાં કંઈક કલા છુપાયેલી હોય છે, રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરીને કલાકારોને ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીનું પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આવા આયોજનો વિદ્યાર્થીઓ- કલાકારોને આગળ વધવા માટે એક નવો રાહ ચીંધે છે. અભ્યાસ સિવાયની તેમનામાં રહેલી કલાને નિખારવાનો એક મોકો આપવામાં આવે છે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, કલા-સંસ્કૃતિ-સાહિત્યના સાંસ્કૃતિક જતન કરવાના હેતુથી શરૂ કરાયેલા આ કલામહાકુંભના આયોજન દ્વારા રાજ્ય સરકાર કલાકારોને પ્રોત્સાહન આપે છે. ૧૬ સંસ્કાર અને ૬૪ કલાઓ એ ભારતીય સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે. રાજકોટ જિલ્લામાં આયોજિત ૨૩ સ્પર્ધાઓમાં ૧૫૮૬ કલાકારોએ ભાગ લીધો છે, એ ખુબ ગર્વની વાત છે.
મેયરશ્રી તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જિલ્લા યુવા વિકાસ અભિકારીશ્રી હિતેષ દિહોરા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સ્પર્ધકો અને સાજીંદાઓ માટે કરેલા આયોજનની સરાહના કરી હતી.
“કલ કે કલાકાર” સ્પર્ધાની અલગ અલગ શ્રેણીઓમાં ૭ વિજેતાઓને ઇનામ વિતરણ અને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, ગરબા અને રાસની સ્પર્ધા, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીતની સ્પર્ધા, લોકગીત-ભજન, લગ્નગીત,ઓર્ગન (વાજિંત્ર વાદન),એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ,હાર્મોનિયમ,તબલા,
દુહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા,વકતૃત્વ , નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી લેખન અને સ્કુલબેન્ડ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયકો, સ્પર્ધકો, સાજીંદાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્તથિત રહ્યા હતા.