ભુજના કુકમા ગામે બે સંતાનોને મોતને ઘાટ ઉતારી માતાએ પણ ગળે ફાસો ખાધો

કચ્છમાં સામૂહિક હત્યાની ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી છે. કેટરિંગમાં મજૂરી કામ કરતા બોટાદના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતી એક મહિલાએ તેના બે બાળકો સાથે આપઘાત કરી લેતા લોકોમાં અરેરાટી મચી ગઈ છે.
માતા તેના દોઢ વર્ષના પુત્ર અને ચાર વર્ષની પુત્રી સાથે રહેતી હતી. સોમવારે સાંજે તમામ સભ્યોએ સાથે મળીને ચા પીધી હતી. પરિવારના બાકીના સભ્યો કામ પર ગયા હતા અને ત્યારબાદ માતાએ સૌ પ્રથમ પોતાના બે સંતાનોને ગળે ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ દુપટ્ટાથી લટકીને જીવન ટૂંકાવ્યું છે.આ હિચકારૂ કૃત્ય શા માટે આચર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મૂળ બોટાદ જિલ્લાની રહેવાસી અને ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતી 23 વર્ષ વર્ષીય સંગીતાબેન વિજયભાઈ દેત્રોજા પેટીયું રળીને ગુજરાન ચલાવતી હતી. આ મહિલાએ તેના બે બાળકો સાથે મોતને વ્હાલું કરતા પરિવાર શોકમગ્ન બન્યો છે, મહિલાના બે સંતાનોમાં પુત્ર રાજવીર વિજયભાઈ દેત્રોજાની ઉંમર દોઢ વર્ષની છે જ્યારે પુત્રી સંધ્યા વિજયભાઈ દેત્રોજાની ઉંમર ચાર વર્ષની છે.
આ અંગેની માહિતી મળતા પધ્ધર પોલીસના પીએસઆઈ એચ.એમ.ગોહિલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, મોડી રાત સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું ન હતું.
પધ્ધર પોલીસના કહેવા મુજબ હતભાગી પરિવાર બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ખમિદાણાં ગામના વતની છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. લીવ ઈનમાં મહિલા સાથે રહેતા વિજયે આ બનાવની જાણ પધ્ધર પોલીસને કરી હતી.
PSI એચ.એમ.ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, આ મજુર પરિવાર છેલ્લા પાંચ-છ વર્ષથી અહીં સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને પરિવારના સભ્યો કેટરિંગના ધંધામાં મજૂરી કામ કરતા હતા. સોમવારે સાંજે પતિ અને સાસુ સહિત ઘરના અન્ય સભ્યોએ સાથે મળીને ચા પીધી હતી.
પરિવારના અન્ય સભ્યો ચા પીને કામે જવા નીકળ્યાના અડધા કલાક બાદ આપઘાતની ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં પરિવારના સભ્યો સહિત આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી, હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.