
અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા ઈન્ડિયા ગઠબંધનના વિરોધપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતે કાર્યકરોને સંબોધ્યા હતા અને ભાજપને ઝાટકી હતી.
રાહુલે ફરી અયોધ્યાનો મુદ્દો આગળ કરતા જણાવ્યું હતું કે ભાજપે અને વડા પ્રધાન મોદીએ અયોધ્યા અને રામ મંદિરના નામે ચૂંટણી લડી, પરંતુ જ્યાં રામ મંદિર બન્યુ છે તે ફૈઝાબાદ સંસદીય બેઠક જ હારી ગયા. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પહેલા વડા પ્રધાન આ બેઠક પરથી લડવા માગતા હતા, પરંતુ સર્વેમાં બહાર આવ્યું હતું કે અહીંથી તેઓ લડશે તો હારી જશે. આથી તેમણે વારાણસી પસંદ કર્યું, જ્યાં તેઓ માત્ર એક લાખ મતથી જીત્યા.
આ પણ વાંચો: હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
તાજેતરમાં સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ પર કરેલા નિવેદનની ભાજપે ટીકા કરી હતી અને અમદાવાદ ખાતે આવેલા કૉંગ્રેસ ભવનમાં તોડફોડ કરી હતી, તેમ જ પોલીસે પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સામે પગલાં લીધા હતા. રાહુલ ગાંધીએ તેમના કાયકર્તાઓને બબ્બર શેર હતા. આ સાથે તેમણે ગુજરાતની જનતાને પણ કહ્યું હતું કે તમે ડરો નહીં અને કૉંગ્રેસને સાથ આપો. રાહુલ ગાંધીએ એવી આગાહી પણ કરી હતી કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસ સત્તા પર આવશે.
તેમણે રાજકોટ અગ્નિકાંડ સહિતના પીડિતોને આશ્વાસન આપ્યું હતું. જોકે રાહુલ ગાંધી ભાષણમાં ગુજરાતના મુદ્દાઓ વિશે બોલે તેવી અપેક્ષા હતી, પરંતુ તેમણે ફરી ચૂંટણી સમયના મુદ્દાઓ જ રિપિટ કર્યા હતા.