અમદાવાદમાં ફરી જોરદાર પવન ને કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
વહેલી સાવરથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો વર્તાઈ રહ્યો હતો અને સવારે નવેક વાગ્યા બાદ ત્રણે કલાક વરસાદ વરસ્યો હતો. પ્રથમ ધીમી ધારે ને પછી જોરદાર વરસાદે અમદાવાદને ધમરોળ્યું હતું અને તે બાદ લગભગ પાંચ-છ કલાકના વિરામ બાદ ફરી અમદાવાદમાં દોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે.
અમદાવાદના શિવરંજની, નહેરુનગર, વસ્ત્રાપુર, એસ જી હાઇવે, પંચવટી, સીજી રોડ, નારણપુરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ને ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ શરૂ થયો છે. બોપલ, રિંગ રોડ સહિતના વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં અંધારપટ છવાયાની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
માત્ર શહેરી નહીં પણ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બાવળા, ધોળકા, ધંધુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ બાવળા ,ધોળકા, ધંધુકા પંથકમાં માવઠાની જોરદાર અસર વાવાઝોડા સાથે પવન અને વરસાદ શરૂ થયો છે.
આજે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.
જોકે આવો માહોલ સૌરાષ્ટ્રમાં પણ છે ત્યારે સુરતમાં વૃક્ષો ધરાશાયી થવાના અને વીજથાંભલા પડી જવાના બનાવો પણ બન્યા છે. જોકે રવિવારના સવારથી જ માહોલ બગડતા રસ્તા પર ઓછા વાહનોને લીધે ટ્રાફિક ઓછો જોવા મળે છે, પરંતુ લગ્નસરાને લીધે પાર્ટી પ્લોટમાં આયોજનો કરનારાઓ હેરાન થઈ ગયા છે તેમ જ નુકાસન પણ ગયું છે.