હાફુસ કેરીના મબલખ ઉત્પાદનની અસર, ભાવ 40 ટકા જેટલો ઘટ્યો

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે હાફૂસ કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે હાફૂસ કેરીનો ભાવ 40 ટકા જેટલો ઓછો છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં હાફુસ કેરીનો મબલખ પાક ઉતરતા આ વર્ષે કેરીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
કેરીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે હાફુસ કેરીઓના ભાવમાં હજું ઘટાડો થાય તેવું અનુમાન છે. ગત વર્ષની તુલનામાં હાલ કેરીનો ભાવ અડધો થઈ ગયો છે, હાલ એક કિલો કેરીનો ભાવ 200 રૂપિયા છે જે ગત વર્ષે આ જ સમયગાળામાં 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલો હતો. ઓર્ગેનિક હાફુસ કેરી પણ સસ્તી બની છે. હાફુસ કેરીની હોલસેલ કિંમત 20 કિલોગ્રામના 4,500 રૂપિયા જેટલી થાય છે, એટલે કે આ કેરીનો ભાવ પ્રતિ કિલોએ 225 જેટલો થાય છે.
આપણ વાંચો: આનંદો, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાફુસની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવશે?
જો કે હાફુસ કેરીના શોખિનો હવે ઓર્ગેનિક હાફુસની માગ કરી રહ્યા છે. બજારમાં ઓર્ગેનિક અને ઈકો ફ્રેન્ડલી કેરીની માગ વધતા કેરીના વેપારીઓ રત્નાગીરી, કર્ણાટક, કેરળ, ગીર અને કચ્છમાંથી ખાસ આ પ્રકારની હાફુસ કેરીના ઓર્ડર આપી રહ્યા છે. વિપારીઓના જણાવ્યા પ્રમાણે હાફુસ ઉપરાંત કેરીની અન્ય જાતોના ભાવ પણ આ વર્ષે ઘટે તેવી શક્યતા છે.