‘સુપ્રીમ’ના આદેશની અવગણનાઃ ઉદ્યોગપતિના કેસમાં કોર્ટે સુરત પોલીસ કમિશનર, ચીફ સેક્રેટરીની કાઢી ઝાટકણી

નવી દિલ્હી: કોર્ટની કોઈ બાબતને ગંભીરતાથી ના લેવી એ પણ એક ગુનો છે. અને તેની સામે કોર્ટ કાયદેસરના પગલાં લઈ શકે છે. આવી જ એક ઘટના સુપ્રીમ કોર્ટમાં બની જેમાં સુરતના વેપારી તુષારભાઈ શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. પરંતુ પોલીસ અને વહીવટી અધિકારીઓએ સુરતની કોર્ટમાંથી વેપારી વિરુદ્ધ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા અને તેમની ખૂબજ ખરાબ રીતે પૂછપરછ કરી હતી તેમજ 1 કરોડ 65 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટ આ બાબતે ગુસ્સે થઈ અને કહ્યું હતું કે આગોતરા જામીનનો અનાદર કેવી રીતે કર્યો. આ ખરેખર એક ગંભીર બાબત છે.
આ ઘટના પર ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે બોલાવવામાં આવે ત્યારે બેગ અને સામાન સાથે જ આનજો કારણકે તમારે અહીથી સીધા જેલમાં જવાનું જ થશે. કડક ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસે માત્ર ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એકે તોમર, નાયબ વિજય સિંહ ગુર્જર, સુરતના એડિશનલ સીજેએમ અને ઈન્સ્પેક્ટર આર.વાય. રાવલને નોટિસ ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ જાણીજોઈને કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. અને આવી ગંભીર બાબત માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી શકાય નહી. ન્યાયાધીશે બહુજ કડક શબ્દોમાં પૂછ્યું હતું કે તમે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લઘંન થાય તેવી કાર્યવાહી કેવી રીતે કરી શકો? તપાસ અધિકારીએ વેપારીને રિમાન્ડ પર લેવાની હિંમત કેવી રીતે કરી.
કડક ઝાટકણી કાઢ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોલીસને તે ચાર દિવસના સીસીટીવી ફૂટેજ આપવા જણાવ્યું હતું. ત્યારે પોલીસે એવું જણાવ્યું હતું કે કેમેરા કામ કરી રહ્યા નથી. આ જવાબ પર ન્યાયધીશ વધારે ગુસ્સે થઈ ગયા અને કહ્યું હતું કે જ્યારે તમારી પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યું ત્યારે જ કેમેરા ખરાબ થઈ ગયા હતા. આ કેસમાં એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ બિનશરતી માફીની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે તેમની એક પણ વાત સાંભળી નહોતી અને નીચલી કોર્ટના જજ, પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તિરસ્કારની નોટિસ જારી કરી હતી.