જો પોલીસતંત્રનું જમીર અને ખમીર જાગે તો? રાજકીય ભૂકંપ આવે
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે આજરોજ કોંગ્રેસે આવેદનપત્ર આપવા માટે પોલીસ કમિશનરનો સમય લઇ અને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું.
આવેદનપત્ર આપવા ગયા ત્યારે કમિશનર ઓફિસને બંધી કરી દેવામાં આવી હતી અને પ્રેસ મીડિયા તથા અન્ય કોંગ્રેસી કાર્યકરોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ તો સ્પષ્ટ સાબિત થાય છે કે મોટા મગરમચ્છો ને છાવરવા માટે ઉપરથી કોઈ આદેશ આપવામાં આવ્યો હોય કે કોઈપણ પ્રકારની માહિતી કોઈને પણ આપવી નહીં.
પોલીસ તંત્ર ધારે તો શું કરી શકે?
કહેવાય છે કે જો પોલીસ તંત્ર ધારે તો ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢે. અને જો જુદી જ રીતે ધારેલો દેખી તો હાથી પણ ગુમ થઈ જાય. અગ્નિકાંડમાં 27 નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા ઘણા ઘરના કાંધોતર,બાળકો, મોભી અગ્નિમાં ખાક થઈ ગયા. આ 27 પરિવારો તથા તેને આધારિત અન્ય લોકોની આંતરડી માંથી પાષાણને પણ પીગળાવી નાખે તેવી હાય નીકળી હશે. અન્યાય કરવો તે ગુનો છે તેનાથી વિશેષ ગુનો અન્યાયને પ્રોત્સાહન આપવું કે સત્યને છુપાવવું તે છે.
મુંબઈ સમાચારનું માનવીય અભિગમ એવું છે કે પોલીસ તંત્રના વડાઓને બે હાથ જોડી અને જે સત્ય છે તે બહાર લાવવા વિનંતી કરવામાં આવે છે. ઉપરથી આદેશ નું પાલન કરવાનું હોય સામાન્ય પોલીસ કર્મચારીઓ સત્ય જાણતા હોવા છતાં, હૃદય આત્મા દુઃખી થતો હોવા છતાં ઉપરી અધિકારીઓની વિવશતા, મજબૂરીથી મૌન રહેવાની સૂચનાને કારણે કશું બોલી શકતા નથી.
આ પણ વાંચો: Rajkot અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું બંધનું એલાન, અનેક વિસ્તારો સ્વયંભૂ બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઉપરથી આદેશ ની જગ્યાએ સૌથી ઉપર પરમ સત્ય સ્વરૂપ ઈશ્વરનો આદેશ કંઈક જુદું જ કહે છે અને તે સાંભળવાની જરૂર છે. સરકાર આધારિત કર્મચારીઓ હોય બરાબર છે પરંતુ નિર્દોષ લોકોનો જીવ ગયો છે અને તેને માટે જે જવાબદાર છે તેને છાવરવું તે પણ ઈશ્વરના દરબારમાં ગુનાહિત કૃત્ય જ ગણવામાં આવે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સત્ય શોધક સમિતિના અધિકારીઓ એક વાર અંતર આત્માનો અવાજ સાંભળે તો મૃત આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ અને ન્યાય મળશે. વ્યક્તિ જ્યારે એકલા બેસે છે. ત્યારે જાત સાથે સંગ થાય છે. જાતને જવાબ દેવો બહુ અઘરી વાત છે. અંતર આત્મા જ્યારે પૂછે કે તું ખોટું તો નથી કરી રહ્યો ને ત્યારે વટથી તેનો જવાબ ના માં હોય તો જીવન જીવ્યું સાર્થક છે.
પોલીસ તંત્ર અગ્નિકાંડ મુદ્દે નીડર નીડરતાથી અને પ્રમાણિકતાથી તપાસ આગળ વધારે તો ભવિષ્યમાં પણ આવા કાંડ થતા અટકશે.