આઇસ્ક્રીમ ખાવાના શોખીનો! આ સમાચાર તમને આઘાત પહોંચાડી શકે છે..
ગુજરાતીઓ તેમના ખાવાપીવાના શોખ માટે જાણીતા છે અને અવારનવાર તેઓ બહાર દુકાનોમાં મળતા ફાસ્ટફૂડ, રેસ્ટોરાંની અવનવી વાનગીઓ ઝાપટતા જોવા મળે છે. જો કે ખાણીપીણીની આ મજા ક્યારેક સજા પણ બની જતી હોય છે. જામનગરમાં એવો જ એક કિસ્સો બન્યો છે જેમાં ‘છાશવાલા’ નામની ખાનગી કંપનીના આઇસ્ક્રીમ સ્ટોરમાંથી એક ગ્રાહકે ખરીદેલા આઇસ્ક્રીમમાં જીવાત નીકળતા ગ્રાહક ગુસ્સાથી લાલઘુમ થઇ ગયો હતો અને મનપાને ફરિયાદ કરી હતી.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આ પાર્લર આવેલું છે જ્યાં ગતરાત્રિએ આઇસક્રીમ ખાવા ગયેલા ગ્રાહકે કપમાં જીવાત પડી હોવાની પાર્લરમાં ફરિયાદ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તેમણે કસ્ટમર કેરમાં આ અંગે ફરિયાદ કરી હતી, જો કે તેમાં પણ તેમની ફરિયાદ પર ધ્યાન ન આપવામાં આવતા ગ્રાહકે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં કડક કાર્યવાહી હાથ ધરી ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં પણ ફ્રીજમાં રાખેલા લુઝ આઇસ્ક્રીમમાં વંદા મળી આવતા મનપાની ટીમે 3 દિવસ માટે પાર્લર સીલ કરી દીધું છે.
આરોગ્યની ટીમના અધિકારીઓએ દુકાનમાં વેચાણ સદંતર બંધ કરી દેવા માટે જણાવ્યું હતું. તેમજ દુકાનની સાફ-સફાઈ, તમામ જગ્યાએ પેસ્ટીસાઈડ કરાવી અને સર્ટિફાઇડ કરવા જણાવવામાં આવ્યું છે.