ગુજરાતના યુવા IAS અધિકારીની સોશિયલ મીડિયા પર પણ છે બોલબાલા, કોણ છે?

યુપીએસસી જેવી સિવિલ સર્વિસની પરીક્ષા ઘણી અઘરી હોય છે, પરંતુ એવા ઘણા લોકો હોય છે, જે તેને યુવાનીમાં જ પાસ કરી લે છે. નેહા બ્યાડવાલા પણ આવી જ એક યુવતી છે. 3 જુલાઈ 1999ના રોજ જન્મેલી નેહા બ્યાડવાલાએ 2021માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, તેથી એક રીતે જોવા જઈએ તો નેહા 21 વર્ષની નાની વયમાં સફળતા મેળવી લીધી હતી.
યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે નેહા ત્રણ વર્ષ સુધી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. તે દરરોજ 17-18 કલાક સુધી અભ્યાસ કરતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ માત્ર 22 પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ તેના ફોલોઅર 99 હજારને પાર પહોંચી ગયા છે.
આપણ વાંચો: પાટણમાં મંદિરની બહાર રમકડાં વેચતા માતાના દીકરાએ પાસ કરી યુપીએસસી…
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નેહાએ પરંપરાગત સાડી પહેરેલા ફોટો શેર કર્યા છે, જે તેને દેશી અને સુંદર દેખાવ આપે છે. જેને લોકો પણ ઘણો પસંદ કરી રહ્યા છે. જેથી ઓછી પોસ્ટ હોવા છતાં પણ નેહા બ્યાડવાલના ફોલોઅર્સ વધીને એક લાખની નજીક પહોંચવા આવ્યા છે.

મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નેહાએ જણાવ્યું હતું કે, ઇન્કમ ટેક્સ અધિકારી તરીકે ફરજ બજાવતા મારા પિતાની બદલી ભોપાલ ખાતે થઈ હતી, ત્યાં અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

સ્કૂલમાં હિંદી બોલવા પર દંડ ફટકારવામાં આવતો હતો. જેથી મેં અંગ્રેજી ભાષા પણ શિખી લીધી હતી. જોકે હું પાંચમા ધોરણમાં નાપાસ પણ થઈ હતી. મારી આ નિષ્ફળતાએ મને નવું શિખવાની અને પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નેહાએ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન SSCની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. જોકે તેણે પોતાના ચોથા પ્રયાસમાં આખરે 2021માં UPSCની પરીક્ષામાં 960 ગુણ સાથે 569મો રેન્ક મેળવ્યો હતો અને તે ગુજરાત કેડર 2024ની બેચની આઈએએસ ઓફિસર બની ગઈ છે. તેને પહેલું પોસ્ટિંગ ગુજરાતના ભરૂચ જિલ્લામાં મળ્યું છે.