“તારી કિડની વેચીને ઉધારી વસૂલ કરીશ..” અમદાવાદના વેપારીને વ્યાજે પૈસા લેવા પડ્યાં ભારે
અમદાવાદ: એક વેપારીને વ્યાજખોરો પાસેથી નાણાં લેવા ભારે પડ્યા હતા. પૈસાની ચૂકવણી મામલે વેપારીને ધમકાવવા વ્યાજખોરોએ તેની કિડની કાઢીને પૈસા વસૂલ કરવાની ધમકી આપી હતી. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વેલનેસ હબ નામથી સ્પા સેન્ટર ચલાવતા રાજુભાઇ નામના વેપારીએ ધંધો વધારવાના આશયથી અન્ય જગ્યાએ સેન્ટર ખોલીને નવું ફર્નિચર કરાવવા પૈસા વ્યાજે લીધા હતા.
પોતાના મિત્ર હાર્દિક ત્રિપાઠી દ્વારા તે વનરાજ ચાવડા નામના વ્યાજખોરના સંપર્કમાં આવ્યો હતો. તેમણે વનરાજ પાસેથી 10 ટકા લેખે 55 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. મનોજ ખત્રી નામના વ્યક્તિ પાસેથી 45 લાખ રૂપિયા અને અન્ય 2 લોકો પાસેથી 65 લાખ રૂપિયા લીધા હતા.
અમુક સમય સુધી વેપારી પૈસા સમયસર પરત આપતો રહ્યો પરંતુ વચ્ચે કેટલાક કારણોસર તેને પૈસા આપવામાં મોડું થતા વ્યાજખોરની હેરાનગતિ શરૂ થઇ. તેને સતત ધાકધમકી માટે ફોન આવતા, જો પૈસા પરત નહી કરીએ તો તારી કિડની વેચી દઇશું તેમ જણાવી તેને માનસિક ત્રાસ અપાતો.
હદ તો ત્યારે થઇ જ્યારે વ્યાજખોરોએ કેટલાક અસામાજીક તત્વોને વેપારીના ઘરે મોકલ્યા અને આ લોકોએ તેના ઘરે હંગામો કરી વેપારીની પત્નીને ઉઠાવીને લઇ ગયા. વ્યાજખોરો સતત “તારી વિરુદ્ધ ખોટા કેસ ઉભા કરી દઇશું, જેલમાં નાખી દઇશું” તેવી ધમકી આપી વેપારીનું શોષણ કરતા. અંતે હારીથાકીને વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે વ્યાજખોર સહિત 3 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.