“હું ધારાસભ્યનો દીકરો છું” BRTSના કંડકટર સામે રોફ જમાવતો વિડીયો વાયરલ
સુરત: રાજકારણીની ઓળખાણ આપીને નાના માણસો પર દાદાગીરી કરવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં બની છે. અહી એક સિટી બસના કંડેકટરને પોતે ધારાસભ્યનો દીકરો હોવાનો ખોફ બતાવીને દાદાગીરી કરતો હોય તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો છે.
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં સિટી બસમાં એક વ્યક્તિ બસના કંડેકટરને પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો ખૌફ જમાવતો દેખાય રહ્યો છે. બસનો કંડેકટર જ્યારે ટિકિટ લેવા માટે દરવાજામાં ઊભો ત્યારે આ યુવકે તેની સાથે બોલાચાલી કરી હતી. તે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવવા માટે બેગમાંથી પૈસાનું બંડલ કાઢીને પૈસા દેખાડી રહ્યો છે. કંડેકટરનો કોલર પકડીને બોલાચાલી કરી હતી.
આ પણ વાંચો: મુંબઈના યુવક-યુવતી રીઢા ડ્રગ કેરિયર ? સુરતમાં વેચવા આવ્યા,પણ ઝડપાયા
જો કે સાથે આ વિડિયોમાં આ યુવક પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે આ બાબતે મારે કોઈ લેવાદેવા નથી. આ મામલે BRTS સંચાલકને ફરિયાદ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.