જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ મુદ્દે સરકારી કર્મચારીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ
ચૂંટણી પંચ આવતીકાલે લોકસભામાં ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે, ત્યારે સરકારી કર્મચારીઓએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. જૂની પેન્શન યોજના (OPS) સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. આજે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર ખાતે ઊમટી પડ્યા હતા અને તેમણે વિધાનસભા તરફ કૂચ કરી હતી. જો કે પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા આ દરમિયાન પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો કર્મચારીઓ આજે ગાંધીનગર ઊમટી પડ્યા હતા. કર્મચારીઓએ જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવવા સહિતના પડતરના પ્રશ્ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા માટે વિધાનસભા તરફ કૂચ કરી હતી. જોકે કર્મચારીઓનો કાફલો વિધાનસભા તરફ આગળ વધે એ પહેલાં જ પોલીસે અટકાવ્યો હતો. એના કારણે કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. બાદમાં તમામ કર્મચારીઓએ કર્મચારીઓ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓનલાઇન આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ કર્મચારીઓ સેલ્ફી પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરશે, જે મુખ્યમંત્રીને સીધું પહોંચાડવામાં આવશે. કર્મચારીઓએ કહ્યું હતું કે આવતીકાલે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોઈ, અમારા માટે આજની રાત કતલની રાત છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી માગણી સ્વીકારે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યા હતા. આ ઉપરાંત કાળાં વસ્ત્રો પહેરીને પણ ફરજ બજાવી હતી. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન યોજી પેન ડાઉન ચોક ડાઉન કરીને પણ સરકારની નીતિનો વિરોધ કરાઈ ચૂક્યો છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે 22-5ના ઠરાવ પ્રમાણે OPS (જૂની પેન્શન યોજના) લાગુ કરવા માટે કમિટી બનાવી હતી અને મીડિયા દ્વારા જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ, આ કમિટીની રચનાને 12 મહિના વિતી ગયા બાદ પણ સરકાર આમાં આગળ વધી નથી. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ માટે કર્મચારી સંઘો દ્વારા લાંબા સમયથી અમારી રજૂઆત અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે પણ સરકારે આજદિન સુધી કર્મચારીઓની માગ સ્વીકારી નથી.