આપણું ગુજરાત

‘હું નથુરામ’ નાટકનો શો અમદાવાદમાં રદ, કોંગ્રેસની ચીમકી સામે આયોજકો ઝુક્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ‘હું નથુરામ’ નાટક રાજકોટ અને જામનગર બાદ અમદાવાદમાં પણ નાટકનો શો રદ્દ કરવાની આયોજકોને ફરજ પડી હતી. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગોડસે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ જાહેર દિવાલો પર ‘ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો’ અને ‘ગાંધીની ભૂમિ પર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય’ જેવા સૂત્રો લખી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

અમદાવાદમાં યોજાનાર શો રદ કરવાની ફરજ પડી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ નાટક ભજવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ ઉગ્ર વિરોધને જોતા આયોજકોએ 9 ફેબ્રુઆરી સોમવારના રોજ અમદાવાદમાં યોજાનાર શો રદ કરવાની ફરજ પડી હતી. સોમવારે રાત્રે સિંધુભવન રોડ પર આવેલા ઓડિટોરિયમમાં આ નાટકનો શો યોજાવાનો હતો. પરંતુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોને પગલે અંતે આ શો રદ કરવાની જાહેરાત કરી હતી.

નાટક સામે રાજ્યભરમાં આક્રોશ જોવા મળ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ નાટક સામે રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના કારણે અગાઉ રાજકોટ અને જામનગરમાં પણ નાટકના પ્રયોગો અટકાવી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં પણ વિરોધનો વંટોળ ઉઠતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button