આયુષ્માન ભારતમાંથી આટલી હૉસ્પિટલો સ્વેચ્છાએ થઈ બહાર, ગુજરાત ટોચ પર

અમદાવાદઃ દેશમાં ગરીબ દર્દીઓને ફ્રી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા 2018માં આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારી આંકડા પ્રમાણે, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ ખાનગી હૉસ્પિટલો સ્વેચ્છાએ બહાર થઈ ગઈ છે. આ હૉસ્પિટલોએ વિવિધ કારણો આપીને યોજનામાંથી બહાર થઈ હતી.
આયુષ્માન ભારત યોજનામાંથી સ્વેચ્છાએ બહાર થનારી હૉસ્પિટલોમાં ગુજરાત મોખરે છે. રાજ્યની 233 હૉસ્પિટલો યોજનામાંથી બહાર થવાનો ફેંસલો કર્યો છે. કેરળની 146 અને મહારાષ્ટ્રની 83 હૉસ્પિટલોએ પણ આ પ્રકારનું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, કુલ 609 હૉસ્પિટલો આ યોજનામાંથી બહાર થઈ ચુકી છે.
આ પણ વાંચો: Ahmedabad શહેરમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પીવાલાયક છે કે નહિ ? જાણો અહેવાલ
છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં કેટલાક ટ્રીટમેંટ પેકેજ માત્ર સરકારી હૉસ્પિટલો માટે હોવાથી અને સરકારી હૉસ્પિટલોમાંથી કોઈ રેફરલ ન મળવાથી પણ ખાનગી હૉસ્પિટલો બહાર નીકળી ગઈ છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું, આતંરરાજ્ય હૉસ્પિટલો માટે ક્લેમ દાખલ કરવા માટે 15 દિવસની અંદર અને પોર્ટેબિલિટી હૉસ્પિટલો (રાજ્યની બહાર) માટે 30 દિવસની અંદર ક્લમેની ચૂકવાણી કરવાના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ યોજનાથી અત્યાર સુધીમાં કરોડો દર્દીને લાભ થયો છે. પરંતુ ખાનગી હૉસ્પિટલો બહાર થઈ જતાં ભવિષ્ય માટે ખતરો બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે જો ચુકવણી પદ્ધતિમાં સુધારો નહીં કરવામાં આવે તો વધુ હૉસ્પિટલો બહાર થઈ શકે છે. જેનું સૌથી વધુ નુકસાન ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને થશે.
આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
ખાનગી હૉસ્પિટલોના કહેવા મુજબ, યોજના અંતર્ગત નિર્ધારીત ઓછા દર અને ચુકવણીમાં થતા વિલંબના કારણે કામકાજ મુશ્કેલ બની રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર ફંડ ન આપવાના કારણે તેઓ આ યોજના સાથે સંકળાઈ રહેવા માટે અસમર્થ છે.