આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરોમાં જામશે ભક્તોની ભીડ | મુંબઈ સમાચાર

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરોમાં જામશે ભક્તોની ભીડ

ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામવાની છે. આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તો શિવ પૂજા અને આરાધના માટે ઉમટી પડ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. શિવજીના તમામ ભક્તો આજથી શિવભક્તિમાં લીન રહેવાના છે. શિવજીની પૂજા માટે બીલીપત્ર, ફૂલો અને જળ લઈને મંદિરમાં જઈ રહ્યાં છે.

5 જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થયો

શ્રાવણ માસની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર, અને ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના વિશ્વનાથ, ઝારખંડના વૈધનાથ અને ઉત્તરાખંડના કેદારનાથ આ પાંચ જ્યોતિર્લિંગમાં 11 જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જે 9મી ઓગસ્ટ સુધી રહેશે. જ્યારે બાકીના સાત જ્યોતિર્લિંગ જેમાં ગુજરાતનું સોમનાથ અને નાગેશ્વર, મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર અને ઘૃષ્ણેશ્વર, આંધ્ર પ્રદેશનું મલ્લિકાર્જુન અને તામિલનાડુના રામેશ્વરમમાં આજથી શ્રાવણ માસ શરૂ થયો છે. આ મંદિરોમાં શિવજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.

શ્રાવણના પહેલા સોમવારથી ભક્તો વ્રતથી ઉપવાસ શરૂ કરશે

આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ 25મી જુલાઈ એટલે આજથી થયો છે. શ્રાવણ મહિનો 23મી ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ શ્રાવણ માસમાં કુલ 4 શ્રાવણ સોમવાર આવે છે. જેમાં શિવભક્તો દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત કરતા હોય છે. શિવભક્તો શ્રાવણના પહેલા સોમવારથી વ્રતથી ઉપવાસ રાખવાનું શરૂ કરી દેતા હોય છે. અનેક ભક્તો તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી શ્રાવણ મહિનામાં દાન-પૂર્ણ કરવાનું પણ વધારે મહત્વ હોય છે.

આ પણ વાંચો…પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે સૌરાષ્ટ્રના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button