સુરતના વરાછામાં હિટ એન્ડ રન, મોપેડ પર જતી બે બહેનોને ડમ્પરે અડફેટે લીધી, 1 યુવતીનું મોત
બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ રાહદારીઓને હડફેટે લેતા વાહનચાલકોના કારણે માર્ગો પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતના મોટા વરાછા લેક વ્યુ ગાર્ડન પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ ઉપર પિતરાઈ બહેન માનસી માંગરોળીયા સાથે સાથે પસાર થતી 22 વર્ષીય નમ્રતા કોટડીયાને ડમ્પરચાલકે અડફેટે લીધી હતી. પૂરપાટ ઝડપે પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ પરથી બંને બહેનો નીચે પટકાઈ હતી. જેમાં પિતરાઈ બહેન માનસી રસ્તા પર પડી ગઈ હતી. જ્યારે માનસી ડમ્પર નીચે આવી જતાં પાછળના બંને ટાયર તેની પરથી ફરી વળ્યા હતા અને તેનું કમાટીભર્યું મોત નિપજ્યું હતું.
હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે આસપાસથી લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં ડમ્પર નીચે કચરાઈ જનાર યુવતી નમ્રતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે અન્ય અન્ય યુવતી નમ્રતા કોટડીયાને નાની મોટી ઈજા પહોંચી હતી. જેને લઇ બંને યુવતીને સ્થાનિકો દ્વારા 108ની મદદથી સારવાર માટે પી પી સવાણી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન 22 વર્ષીય નમ્રતાને માથાના ભાગે ગંભીર ઈજા સહિત શરીરના અનેક ભાગોએ ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું, જેને લઇ ફરજ પરના તબીબે યુવતીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે તે બાબતનો અંદાજો આવતા ડમ્પર ચાલકે ડંમ્પરને એક કિલોમીટર દુર રસ્તાની બાજુમાં ઉભું રાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરને કબ્જે લીધું છે. પોલીસે બનાવ અંગે અજાણ્યા ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે અને સીસીટીવીના આધારે પોલીસે ડમ્પરચાલકની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે.