HUDA વિરૂદ્ધમાં હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન, 18 ગામના ખેડૂતો એકઠા થયા

હિંમતનગરઃ હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA)માં હિંમતનગર આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે 11 ગ્રામપંચાયતનાં 18 ગામના લોકો વિરોધ દ્વારા કેટલાય સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને લઈને હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ પાસે ખેડૂતોનું એક મહાસંમેલન યોજાયું હતું. સ્વાગત પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ સંમેલન 18 ગામોના ખેડૂતો તેમના પરિવાર અને સંબંધીઓ સાથે ઉપસ્થિત રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોની વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી
સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે 15 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. આ સંમેલનમાં હુડા રદ કરવાની માંગ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સંમેલન દરમિયાન ખેડૂતોએ નેતાઓ અને વિધાનસભાનો ઘેરાવો કરીને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હિંમતનગરના ખેડૂતોનો વિરોધ શહેરી વિકાસના વિરુદ્ધમાં નહીં, પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ સ્કીમની જોગવાઈઓ સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : લીંમડીના સુદામડા ગામમાં યોજાશે ખેડૂત મહાપંચાયત, કેરીજવાલ અને ભગવંત માન પણ રહેશે હાજર
હિંમતનગરના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં છે
ખેડૂતોની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નભે છે. જો ખેડૂતોની 40% જમીન કપાત જાય તો બાકીની 60% જમીનમાં તેમનો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. હિંમતનગરમાં મોટાભાગના લોકોનું જીવન જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ખેડૂતોએ હિમતનગરમાં ચાર મોટા સંમેલન યોજાઈ ચૂક્યાં છે. ખેડૂતોએ નેતાઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, ‘અમે ખેડૂત ખાતેદાર છીએ, જો હુડા રદ નહીં થાય તો આવનારી ચૂંટણી અમે જ તમને હરાવવા નીકળી જઈશું’
આ પણ વાંચો : ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો 2 મહિનામાં સિંહાસન ડગાવવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યો



