હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણીનો જંગ: કાયદાકીય વિવાદો વચ્ચે કાલે યોજાશે મતદાન

હિંમતનગર: સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની પ્રતિષ્ઠિત નાગરિક સહકારી બેંકના વહીવટ માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક સાબિત થશે. તા. 11 જાન્યુઆરીએ બેંકના નવા શાસકોને ચૂંટવા માટે જંગ જામવાનો છે. શહેરના સહકારી રાજકારણમાં લાંબા સમય બાદ ‘વિકાસ પેનલ’ અને ‘પરિવર્તન પેનલ’ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેને લઈને મતદારોમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં કુલ 13 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સામાન્ય વિભાગની 10 બેઠકો માટે 29 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે મહિલા અનામતની 2 બેઠકો માટે 5 મહિલા ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ/જનજાતિની 1 બેઠક માટે 8 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. બેંકના અંદાજે 32876 જેટલા સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પેનલનું ભવિષ્ય નક્કી કરશે.
ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટો કાયદાકીય વળાંક પણ આવ્યો છે. બેંકના બોર્ડ ઓફ નોમિનીઝમાં એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારોની લાયકાતને પડકારવામાં આવી છે. કોર્ટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 10એ (2-એ)નો અમલ કરવા ચૂંટણી અધિકારીને આદેશ આપ્યો છે. આ હુકમને કારણે બેંકના 6 જેટલા વરિષ્ઠ અને જૂના ડિરેક્ટરોની ઉમેદવારી પર જોખમ તોળાઈ રહ્યું છે.
નોમિનીઝ કોર્ટના આદેશ બાદ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. એક સભાસદ અને ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવતા હિંમતનગરના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. ચૂંટણી યોજાશે કે કેમ અથવા પરિણામ પર સ્ટે આવશે, તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો તંત્રએ 11મી તારીખે મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદાકીય પેંચ વચ્ચે આ ચૂંટણી રસપ્રદ વળાંક પર ઉભી છે.



