રાજકોટ અગ્નિકાંડને પર હાઇકોર્ટમાં સુનાવણી, કહ્યું 28મી સુધીમાં SIT રિપોર્ટ કોર્ટમાં રજૂ કરો
અમદાવાદ : 26 મેના રોજ રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટનાને (Rajkot Gamezone Fire) લઇને સરકારે હાઇકોર્ટમાં સુમોઓટો માટેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજકોટ મનપાની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે SITની કામગીરીની પણ નોંધ લીધી હતી અને સરકારને ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવા માટેનો આદેશ આપ્યા છે.
આજે હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં મનપાના એફિડેવિટમાં કોઈ સ્પષ્ટતા ન હોવાનું કહ્યું હતું. હાઇકોર્ટે રાજકોટ મનપાને પ્રશ્ન કર્યા હતા કે આ ઘટના બાદ નાના અને સામાન્ય અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ મોટા અધિકારીઓને કેમ છાબરવામાં આવી રહ્યા છે. હુકમની જે અધિકારીઓ જ અવગણના કરી રહ્યા છે તેમના પર કેમ રહેમનજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Rajkot Gamezone fire: મંજૂરીથી આજદિન સુધી ફરજ પર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને SITનું તપાસનું તેડું
આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે કમિશનરને કેમ સસ્પેન્ડ કરવામાં ન આવ્યા , તેઓ જ આટલા લોકોની હત્યાના આરોપી છે. તમને લોકોના જીવ સાથે રમત રમવા અંગે શરમ આવવી જોઈએ. મનપા આ ગેમઝોન ગેરકાયદેસર છે તેની જાણમાં હોવા છતાં તેઓઓ કોઈ પગલાં લીધા નહીં અને આગ લાગવાની રાહ જોવાતી રહી.
આની પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી તેમ છતાં કોઈ પગલાં કેમ ન લેવામાં આવ્યા. જો કે મનપાના વકીલે બચાવ કરતાં કહ્યું હતું કે ગેમઝોનને નોટિસ આપવામાં આવી હતી, જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે મનપાએ 1 વર્ષમાં શું કર્યું ? જો કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો આ જીવ ન ગ્યાં હોત.
કમિશનરની બદલી કરવા અંગે કોર્ટે કહ્યું હતું કે બદલી કોઈ એક્શન નથી, એ ગિફ્ટ છે. સરકારે કોર્ટમાં SITના રિપોર્ટની સાથે એફિડેવિટ રજૂ કરવા માટે બે મહિના જેટલા સમયની માંગ કરી હતી. જો કે કોર્ટે તેને મંજૂર નહિ રાખતા સીટને 20 મી સુધીમાં સરકારને રિપોર્ટ સુપરત કરવા અને સરકારને એ રિપોર્ટ 28 મીએ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.