ગુજરાત હાઇ કોર્ટે UCC સમિતિને પડકારતી અરજી ફગાવી: સરકારનો નિર્ણય કાયદેસર

અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સમિતિને પડકારતી અપીલને ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સમિતિની રચના કરવાની સત્તા રાજ્ય સરકારની કારોબારી સત્તા છે અને બંધારણની કલમ હેઠળ માન્ય છે.
અરજદારે હાઇ કોર્ટની સિંગલ બેન્ચના અગાઉના નિર્ણય સામે આ ડબલ બેન્ચમાં અપીલ કરી હતી, જેમાં સિંગલ બેન્ચે પણ અરજી રદ કરી હતી. આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે રાજ્ય સરકાર દ્વારા UCC સમિતિની રચના કરવાનો નિર્ણય કાર્યપાલિકાના અધિકારક્ષેત્રમાં આવે છે અને કોર્ટ કોઈ દખલ નહીં કરે.
આ પણ વાંચો: રાજકોટની 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી
હાઇ કોર્ટની ડબલ બેન્ચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે UCC સમિતિનું ગઠન કરવું એ સંપૂર્ણપણે રાજ્યની કાર્યપાલિકાનો વિષય છે અને અદાલત આવા વહીવટી નિર્ણયોની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ સમિતિ બંધારણના અનુચ્છેદ 162 હેઠળ બનાવવામાં આવી છે, તેથી આ નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટે અપીલને ફગાવતા સિંગલ જજના નિર્ણયને જ યોગ્ય ઠેરવ્યો હતો.
અરજદારનો મુખ્ય તર્ક હતો કે આ સમિતિ કોઈ પણ અધિકૃત સૂચના વિના બનાવવામાં આવી છે અને તેમાં લઘુમતી સમુદાયના કોઈ સભ્યને સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, અદાલતે આ દલીલોને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે આ બધી દલીલો સમિતિ રચનાની પ્રક્રિયા અથવા રાજ્યની સત્તાને પડકારતા નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર માત્ર સભ્યોની માળખાકીય રચનાને આધાર બનાવી રહ્યા હતા, જ્યારે રાજ્ય સરકાર પાસે આવી સમિતિ રચવાનો સંપૂર્ણ અધિકાર છે.
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇ કોર્ટે છ મહિનાના જામીન આપ્યા
ગુજરાત હાઇ કોર્ટે ટિપ્પણી કરી કે અરજદાર દ્વારા સમિતિ ગઠન કરવાની રાજ્યની સત્તાને જ પડકારવામાં આવી નહોતી. માત્ર સભ્યોના સમાવેશને આધાર બનાવીને કાર્યપાલિકાના નિર્ણયમાં દખલ કરી શકાય નહીં, તેથી ડબલ બેન્ચે આ આધારે અપીલને ફગાવી હતી. આ નિર્ણયથી ગુજરાતમાં UCCના અમલની દિશામાં આગળ વધવા માટે સરકારે રચેલી સમિતિની કાયદેસરતા પરનો કાનૂની અવરોધ દૂર થયો છે.



