નવરાત્રિના સાતમા નોરતે મેઘરાજાનું વિઘ્ન: અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરબા રદ્દ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડું, મંડપો જમીનદોસ્ત; જુઓ ક્યા ક્યા ગરબા રદ્દ થયા?
અમદાવાદઃ ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ અને અંબાજી સુધી વરસાદ ખાબક્યો હતો, જ્યારે સૌથી વધુ અસર નવરાત્રીના મંડપો પર પણ જોવા મળી હતી. નવરાત્રીના આજના સાતમા દિવસ દરમિયાન અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા, જેમાં અમદાવાદ પણ બાકાત રહ્યું નહોતું. શહેરમાં રિંગરોડ, શિલજ સહિત અન્ય વિસ્તારોમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી. ઉપરાંત, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વિરમગામ, માંડલ સહિત અન્ય જગ્યાએ વરસાદની જમાવટ જોવા મળી હતી.
ગુજરાતમાં અનેક જગ્યાએ આજે વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે તારાજી સર્જાઈ છે. નવસારી અને વલસાડમાં ગત રાત્રે ભારે વરસાદ સાથે વાવાઝોડું પણ આવ્યું હતું. વાવાઝોડાએ અનેક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હતું. શહેરોની વાત કરવામાં આવે તો, આજે ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં આજે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પહેલા આજે વરસાદ થતા ખેલૈયાઓ નારાજ જોવા મળ્યાં હતાં. વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ હતી.
આ પણ વાંચો: ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગરબા રમવા આતુર ખેલૈયાઓની મજા બગડી
મેઘરાજાએ આજે નવરાત્રિમાં ગરબા રમવા માટે આતુર થયેલા ખેલૈયાઓની મજા બગાડી છે. આજે વરસાદે અનેક શહેરોમાં ગરબા આયોજકોને મોટો ઝટકો આપ્યો છે. સાતમા નોરતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં વરસાદ થયો તેના કારણે અનેક ગરબાના મંડપો ધ્વસ્ત થયાં હતાં. એટલું જ નહીં પરંતુ વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ કાદવ-કીચડથી લથબથ થયા હતા. જેથી મોટા ભાગના ગરબા રદ્દ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ખેલૈયાની મજા બગાડશે મેઘરાજા, સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબાકાર, ટ્રાફિકના ધાંધિયા
ક્યા ક્યા ગરબા આજે રદ્દ રહેશે?
વિગતે વાત કરવામાં આવે તો, વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, નવરાત્રિ ફેસ્ટિવલ, યુનાઈટેડ વે ગરબા રદ્દ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે ગરબાનું આયોજન થયાં છે. પરંતુ આજે વરસાદના કારણે રેડ વેલ્વેટ, દાંડિયા ડ્રીમલેન્ડ, દીવી મંડળી, શેરી ગરબા મહોત્સવ, ઉદગમના ગરબા, મધરાત્રિ ધ મંડલી ગરબા, નવરંગી નવરાત્રિ, કર્ણાવતી ક્લબ, ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ અને પ્રોબઝ ગરબા એન્ડ મંડલી ગરબા રદ્દ રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સુરતમાં ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ અને ગાંધીનગરમાં ફ્યુચર વીથ કલ્ચર ગરબા પણ રદ્દ રાખવામાં આવ્યાં છે.
આ ગરબા વરસાદમાં પણ ચાલુ રહેશે
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સુરત હોય કે વડોદરા, ગાંધીનગર હોય કે અમદાવાદ મોટા ભાગના ગરબા પ્રોગ્રામ કેન્સલ રહ્યાં છે. પરંતુ અમદાવાદમાં ચાલુ વરસાદે પણ સ્વર્ણિમ નગરી, અંદાજ પાર્ટી પ્લોટ ખાતે રંગ મોરલા અને રાતલડી ગરબા એસી ડોમમાં હોવાથી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે. જ્યારે બાકીને દરેક ગરબા રદ્દ રહ્યાં હોવાથી ખેલૈયાઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.