ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લામાં થઈ શકે મેઘ મહેર…

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે સવારથી પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યની આસપાસ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હોવાથી, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટ, રવિવારે ગુજરાતના 19 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર કોંકણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બિકાનેરથી પસાર થતી મોનસૂન ટ્રફ આ વરસાદનું કારણ છે.
જ્યારે સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એટલે કે 1 અને 2 સપ્ટેમ્બરના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ દિવસોમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચન આપ્યું છે, કારણ કે આ વરસાદથી સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
આ ઉપરાંત 3 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ ઉપરાંત, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આ દિવસે ભારે વીજળીના કડાકા પણ થઈ શકે છે, જેનાથી ખેડૂતો અને રહેવાસીઓએ સાવચેત રહેવું જોઈએ.
4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તાપી અને ડાંગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે.
5 સપ્ટેમ્બરે રાજ્યના 19 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 90 ટકાથી વધુ વરસાદ, જાણો છેલ્લા 12 કલાકમાં ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ