આનંદના સમાચાર: ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોને મળ્યું ઇનામ
અમદાવાદ: પીએમ મોદીએ કચ્છમાં શરૂ કરાવેલા રણોત્સવને પગલે ધોરડો સહિત કચ્છની ગ્રામીણ સંસ્કૃતિ અને સામાજીક જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિ આવી છે. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને ‘વર્લ્ડ્ઝ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગને દર્શાવતી ઝાંખી હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાંથી પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ કેટેગરી ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ-જ્યુરીની પણ સેકન્ડ ચોઇસ તરીકે ગુજરાતને જ એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ પણ કર્તવ્ય પથ પર ચાર ચાંદ લગાવી દીધા હતા.
પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ 25 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ 25 ટેબ્લોમાંથી સૌથી વધુ ૩૨ ટકા વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના ટેબ્લોની પસંદગી કરવા બદલ સૌનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે કચ્છ સહિત ગુજરાતના પ્રત્યેક નાગરિકની આ જીત છે, પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે.
કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન તેમજ ગુજરાતની ઓળખ સમા ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્યપથ ઉપર ઝળક્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે તેવું તેમણે ઉમેર્યું હતું.