અતિભારે વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા મુખ્યપ્રધાને કર્યું હવાઈ નિરીક્ષણ
આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાની મહેર કહેરમાં ફેરવાઇ ચૂકી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાય ચૂક્યા છે, અનેક વિસ્તારોમાં હજુપણ વરસાદી પાણી ઓસર્યા નથી. આવી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. મુખ્યપ્રધાને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની મુલાકાત લીધી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અતિભારે વરસાદે ચોતરફ તારાજી સર્જી છે. ગઇકાલે 22 જુલાઇના રોજ કલ્યાણપુરમાં 11 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અનરાધાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ગામડાઓ બેટમાં ફેરવાયા ચૂક્યા છે. ભારે વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પ્રધાને હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: આખરે કચ્છ થયું તળબોળઃ નખત્રાણા અને અબડાસામાં ચાર ઇંચથી વધુ વરસાદ
જિલ્લામાં સર્જાયેલ પરિસ્થિતિનો તાગ મેળવવા હવાઈ નિરીક્ષણમાં મુખ્ય પ્રધાનની સાથે મુખ્ય અધિક સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્ય પ્રધાને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના લીધે અનેક સ્થળોએ જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીના પાણી ચારેકોર ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાય જતાં ઘરવખરી સહિતની વસ્તુને નુકસાન પહોંચ્યુ છે. આ સાથે ખેતરોમાં ધોવાણ થવાથી પણ ખેડૂતોને નુકસાન થયું છે.