GIFT સિટીમાં બનશે ગુજરાતનું પ્રથમ AI ડેટા સેન્ટર: નાણાકીય ક્ષેત્રમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન…

અમદાવાદ: ગુજરાતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City)માં રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યંત મહત્વપૂર્ણ સેન્ટરની ક્ષમતા 40 મેગાવોટ સુધીની રહેશે અને જમીનનો અસરકારક ઉપયોગ કરવા માટે તેને ગિફ્ટ સિટીના માસ્ટર પ્લાન મુજબ વર્ટિકલ (બહુમાળી) ફોર્મેટ માં વિકસાવવામાં આવશે.
AI-ઓપ્ટિમાઇઝ્ડ ડિઝાઇન અને મહત્વ
દેશમાં ઝડપથી વધી રહેલી AI-કમ્પ્યુટિંગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ સેન્ટર અત્યંત જરૂરી છે. AI-આધારિત વર્કલોડ (ટ્રેનિંગથી લઈને ઇન્ફરન્સ સુધી) ને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની મોટી માંગ હોય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ કરીને AI માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે.
પરંપરાગત સેન્ટર્સથી વિપરીત, આ સેન્ટર વર્ટિકલ આર્કિટેક્ચર અપનાવશે, જે જમીનનો ઓછો ઉપયોગ કરશે અને ઊર્જા બચત સાથે ટકાઉ તથા સ્પેસ-એફિશિયન્ટ મોડેલ પૂરું પાડશે. સેન્ટર માટે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી અને એડવાન્સ પાવર સિસ્ટમ્સ આવશ્યક રહેશે, જેને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે.
નાણાકીય ક્ષેત્રમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન
ગિફ્ટ સિટી પહેલેથી જ ટેકફિન કંપનીઓ, બેંકો અને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જનું મુખ્ય હબ છે. આ સેન્ટર નાણાકીય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. મોટા પાયે નાણાકીય ટ્રાન્ઝેક્શન ડેટાની રિયલ-ટાઇમ પ્રોસેસિંગ, ફ્રોડ ડિટેક્શન અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી પાલન પ્રક્રિયાઓમાં AI આધારિત વિશ્લેષણ અત્યંત અસરકારક સાબિત થશે.
આ સેન્ટરથી ટેકફિન કંપનીઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCCs) અને BFSI સેક્ટરમાં રોકાણમાં વધારો થવાની સંભાવના છે. પ્રોજેક્ટના અમલીકરણ અને નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને સરકારે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી છે. આ આગામી પેઢીનું સેન્ટર હાઈપરસ્કેલ અને AI-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ ધરાવતા સ્થાનિક અને વૈશ્વિક વ્યવસાયોને આકર્ષિત કરતું એક મહત્વપૂર્ણ હબ બની રહેશે.



