ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાશે: હવામાને કરી ઠંડી અને વાદળછાયા વાતાવરણની આગાહી…

અમદાવાદ: ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ અને નિષ્ણાંતોના મતે, બંગાળની ખાડી અને અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાની શક્યતા છે, જેની સીધી અસર નાગરિકોના જનજીવન અને ખેતી પર જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીની તીવ્રતા યથાવત રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હાલમાં નલિયા 7.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 18 થી 24 જાન્યુઆરી દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આટલું જ નહીં, ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવવાને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા છે. આ બદલાતા હવામાન વચ્ચે ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી બન્યું છે.
એક તરફ શિયાળામાં માવઠાની ચિંતા છે, તો બીજી તરફ આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. જુલાઈ મહિનાથી ‘અલ-નીનો’ની અસર નબળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે. દરિયાઈ પેરામીટર્સ સાનુકૂળ હોવાથી ખેડૂતો માટે આ વર્ષ આશાસ્પદ સાબિત થઈ શકે છે. જોકે, હાલ પૂરતું જાન્યુઆરીના અંત સુધી કોલ્ડ વેવ અને ફેબ્રુઆરીમાં આવનારા હવામાનના પલટા સામે સાવધાની રાખવી જરૂરી છે.



