સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સ્માર્ટ લાઇટિંગ ફરજિયાત: વીજ બિલનો ભાર ઘટાડવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય…

ગાંધીનગર: ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના ભારે વીજ બિલનો બોજ ઘટાડવા માટે ગંભીર પગલું ભર્યું છે. રાજ્યના ઊર્જા વિભાગે નવી માર્ગદર્શિકા બહાર પાડીને આ તમામ સંસ્થાઓને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ અપનાવવાનો આદેશ આપ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ સેન્સર આધારિત ટેકનોલોજી અને સૌર ઊર્જાનો ઉપયોગ કરીને વીજળીના વ્યયને અટકાવવાનો અને વપરાશમાં 30 થી 40 ટકા સુધી ઘટાડો કરવાનો છે.
નવી માર્ગદર્શિકાના મુખ્ય આદેશો
અત્યાર સુધી અનેક સ્થળોએ સમયસર સેટિંગના અભાવે સ્ટ્રીટ લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ રહે છે અથવા ઓછા ટ્રાફિકના સમયે પણ પૂર્ણ તીવ્રતાથી પ્રકાશ આપે છે, જેનાથી વીજળીનો વ્યય થતો હતો. હવે ઊર્જા વિભાગે આ બગાડ પર રોક લગાવવા માટે પગલાં લીધાં છે. તમામ સંસ્થાઓએ ડિસેમ્બર 2025 પહેલાં પોતાના વિસ્તાર માટે ‘સ્ટ્રીટ લાઇટ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન’ તૈયાર કરી રજૂ કરવો ફરજિયાત છે. ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA – ગેડા)ને થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ દ્વારા વીજ બચતના ઉપાયોનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું છે.
નવી માર્ગદર્શિકા હેઠળ સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમમાં કેટલાક સ્માર્ટ સોલ્યુશન્સ અપનાવવા પડશે. જેવા કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય અનુસાર માસિક સમય સેટિંગમાં ફેરફાર કરવો. કુદરતી પ્રકાશ અપૂરતો હોય ત્યારે જ લાઇટ ચાલુ થાય તે માટે લાઇટ સેન્સર આધારિત ઓટોમેશન સિસ્ટમ અપનાવવી. રાત્રે 12 થી 4 વાગ્યા સુધી ડિમ લાઇટિંગ સિસ્ટમ રાખવી. અવરજવર વધે ત્યારે જ લાઇટની તીવ્રતા વધે તે માટે મોશન સેન્સર લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સૌર ઊર્જા અને LED ને પ્રાથમિકતા
હાલમાં વપરાતી જૂની સોડિયમ વેપર અથવા હેલોજન લાઇટ્સની જગ્યાએ ઊર્જા કાર્યક્ષમ LED લાઇટ્સ લગાડવાની ફરજિયાત રહેશે. ગ્રામ્ય વિસ્તારો, હાઇવે અને ગામડાંના રસ્તાઓ પર નવી લાઇટ લગાડતી વખતે સૌર ઊર્જા આધારિત LED સિસ્ટમને પ્રાથમિકતા આપવાની રહેશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ લાઇટિંગની સ્થિતિ પર સીધી નજર રાખવા માટે સેન્ટ્રલાઇઝ્ડ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવી પડશે. ઊર્જા વિભાગે જણાવ્યું છે કે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (ગાંધીનગર) દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું સક્રિય મોનિટરિંગ કરવામાં આવશે.



