પંજાબની મદદે ગુજરાત આવ્યુંઃ 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેન રવાના

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગરઃ પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પૂર પીડિત લોકોની મદદ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી હતી. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી હતી. આ સાથે જ 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો હતો.આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીનાં પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે.
ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સિંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમ જ ૧૦ હજાર નંગ તાડપત્રી, ૧૦ હજાર મચ્છરદાની, ૧૦ હજાર બેડશીટ અને ૭૦ ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો: પંજાબમાં કુદરતી આફતે વિનાશ વેર્યો, પીએમ મોદીના રાહત પેકેજ પર AAP સરકારના કટાક્ષ
આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ ૨૨ વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ વેગનોમાં લગભગ 700 ટનનું મટિરિયલ એમાં લોડ કરવામાં આવ્યું છે.
20 પ્રકારની આઇટમ છે, જેમાં 12 મુખ્ય આઇટમ છે. ચોખા, દાળ, કાંદા, બટાટા, દવાઓ, કપડાં સહિત બીજી ઘણી બધી વસ્તુઓ છે, જે પૂરથી અસરગ્રસ્ત લોકોને જલ્દીથી રાહત આપી શકશે. દૂધ ઉત્પાદનો અને બીજી ઘણી બધી વસ્તુઓ મોકલવામાં આવી છે.
ઉત્તર ભારતમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે મોટી જાનહાનિ અને મોટું નુકસાન થયું હતું. એકલા પંજાબમાં વરસાદને કારણે મૃત્યુઆંક વધીને 48 થયો છે, જ્યારે 1.76 લાખ હેક્ટર જમીનનું ધોવાણ થયું છે, જેનાથી ખેડૂતોને પણ વધુ નુકસાન થયું છે. જોકે, પીડિતોને મદદ માટે દેશના અનેક ખૂણામાંથી મદદ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યએ પણ પહેલ કરી છે. ગુજરાત રાજ્યની સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ દ્વારા મદદ કરવાની જાહેરાત કરી હતી.