નવનિયુક્ત સરપંચોને CR પાટીલની ટકોર: ગામના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો!

નવસારી: ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતમાં જૂન મહિનામાં યોજાયેલી ચૂંટણીઓ બાદ નવા સરપંચોની નિયુક્તિ થઈ છે. આ નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. નવસારીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલે સરપંચોને ગામના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પારદર્શક કામગીરીની સલાહ આપી હતી.
નવસારીમાં આયોજિત સરપંચ અભિવાદન સમારોહમાં સી. આર. પાટીલે નવા ચૂંટાયેલા સરપંચો અને ઉપસરપંચોનું સન્માન કર્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરપંચોની ભૂમિકા ગામના વિકાસ માટે છે, નહીં કે કોન્ટ્રાક્ટર બનવા માટે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટનો ઉપયોગ ગામના લોકોના હિતમાં અને વિકાસના કામો માટે કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે, તેમણે નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા પ્રાકૃતિક વેપાર બજારનું ઉદ્ઘાટન પણ કર્યું.
આ પણ વાંચો: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 5 વર્ષનો કાર્યકાળ કરશે પૂર્ણઃ ઓગસ્ટ નવા પ્રમુખની થશે જાહેરાત?
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અગાઉ યોજાયેલા એક સરપંચ સંમેલનમાં નવા સરપંચોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. જો કોઈ સરપંચ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું જણાશે, તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. તેમણે સરપંચોને પૈસાની બાબતમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી લાલચથી દૂર રહેવા સૂચન કર્યું.
સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી બંનેએ સરપંચોને ગામના વિકાસને પ્રાથમિકતા આપવા તાકીદ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરપંચોની જવાબદારી ગામના લોકોના જીવનમાં સુધારો લાવવાની છે. ભ્રષ્ટાચારથી દૂર રહીને અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ગામડાઓને આદર્શ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ સમારોહે સરપંચોને પોતાની જવાબદારીઓનું ભાન કરાવ્યું અને પારદર્શક કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા.