ગુજરાતમાં આજે સર્વત્ર મેઘ મંડાણ, 10 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદે સૌરાષ્ટ્રને વધારે ધમરોળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આણંદ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 12 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં ભારે પવન સાથે વરસાદ થવાનો છે.
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ થયો
આ સાથે સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ થયો હતો. આજે પણ વહેલી સવારથી વરસાદી વાદળોએ મંડાણ માંડ્યાં છે. અમદાવાદ પણ આજે વરસાદમાં ધમરોળાશે તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ સાથે સુરત, વડોદરા, દાહોદ, રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદી વાદળો જોવા મળ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12.87 ટકા સરેરાશ વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં (113.63 mm) 12.87 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ (84.80 mm) 17.55 ટકા, ઉત્તર ગુજરાતમાં (58.59 mm) સરેરાશ 8.15 ટકા, મધ્ય પૂર્વમાં (101.38 mm) સરેરાશ 12.60 ટકા, સૌરાષ્ટ્રમાં (150.45 mm) સરેરાશ 20.12 ટકા અને દક્ષિણ ગુજરાતમાં (133.96 mm) સરેરાશ 8.99 ટકા વરસાદ નોંધાયો છે. આંકડાને જોતા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે અનેક ડેમ પણ 100 ટકા ભરાઈ ગયા છે.