ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટશે, 24 કલાકમાં 34 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ…

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનની સરહદ પર સક્રિય છે.
આ ઉપરાંત, અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગથી મધ્ય ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન સુધી બીજી ટ્રફ લાઇન વિસ્તરી રહી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી મોહલ છવાયો રહેશે. આ વચ્ચે ગઈકાલે રાજ્યના 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા પ્રમાણે 28 જુલાઈના 6 વાગ્યથી 29 જુલાઈના 6 વાગ્યા સુધીમાં 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે છોટાઉદયપુરમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટાઉદયપુરના બોડેલી, પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના જેતપુર પાવી, તાપીના સોનગઢ, દાહોદના ગરબાડા, તાપીના ડોલ્વાનમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 111 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
નર્મદા ડેમમાં પાણી ધરખમ આવક થશે
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે. ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2.62 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે. હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. 2.62 લાખ ક્યૂસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢથી બે મીટરનો વધારો થશે, જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં. હાલ પાણીની આવક 76,200 ક્યૂસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29મી જુલાઈના રોજ વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે. મંગળવારે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે.
ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે. જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે ટ્રફ લાઇન પણ સર્જાઈ છે. જેનાથી આગામી પાંચ દિવસ દરિયોમાં કરંટ જોવા મળશે. હવામાન વિભાગે માછીમારોને આગામી એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.