અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેજ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે 108.02 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં ત્યારબાદ ક્રમશઃ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા થસે
અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની શક્યતા હોવાથી હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને પાકની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે.